કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીના ભાજપના ચાલ-ચલન, ચરિત્ર અને ચહેરા પર આકરા વાકપ્રહાર - Loksabha Electioin 2024 - LOKSABHA ELECTIOIN 2024
Published : May 3, 2024, 4:50 PM IST
અમદાવાદઃ રાજકોટ ભાજપના નારાજ નેતાઓ દ્વારા પોતાનું મિશન પાર પાડવા માટે ખોડલધામ અને કોંગ્રેસને બદનામ કરવાનો હિન પ્રયાસ કરવાનો આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશીએ કર્યો છે. તેમણે કહ્યું કે, મૂળ ભાજપના ભડકેલા પેજ પ્રમુખે નામ-ઠામ વગરની પત્રિકાઓ વહેંચાવી અને ખોડલધામ યુવા સમિતિના કાર્યકરોને ફસાવવાનું ષડયંત્ર રચ્યું છે. ચૂંટણીમાં અવરોધ પેદા કરવા પોલીસ તંત્રનો દુરુપયોગ થયો હોવાનું જણાવીને મનિષ દોશીએ કહ્યું હતું કે, પત્રિકા-પોસ્ટર-સીડીના નિષ્ણાંતો પકડાઈ જાય અને ભાજપાના અંદરો અંદરના કારનામા ખુલ્લા ન પડી જાય તે માટે ગમે તેને પકડીને કોંગ્રેસ પર દોષારોપણ કરવા માટે ભાજપાના ઈશારે પોલીસ તંત્ર કરી રહી છે. વડોદરા-રંજનબેન ભટ્ટ -મહિલા સાંસદ વિશે પત્રિકા-પોસ્ટરના અસલી પ્રકાશકો કોણ છે ? તે સમગ્ર વડોદરા જાણે છે. સાબરકાંઠામાં પત્રિકાઓ પ્રસિધ્ધ કરી વહેંચનારાઓ કોણ ? વલસાડમાં પત્રિકાઓ-વોટસએપ પર સત્ય હકીકતો પ્રસિધ્ધ કરનારા કોણ ? સુરેન્દ્રનગરમાં પત્રિકા વાયરલ કરનારા કોણ ? રાજકોટ-આણંદ-બનાસકાંઠામાં ભાજપાની વિવિધ હકીકતો પ્રકાશિત કરનાર-વાયરલ કરનાર કોણ? હવે કારનામા- કરતૂનો ખુલ્લા પડી ગયા છે ત્યારે, ભાજપા લાજવાને બદલે ગાજવાનું કામ બંધ કરે. ભાજપામાં 3 જૂથો સક્રિય છે તેમ પણ મનિષ દોશીએ કહ્યું હતું. તેમણે જણાવ્યું કે, ભાજપમાં મૂળ ભાજપા-આર.એસ.એસ.ના પાયાના કાર્યકરો-આગેવાનોનું જૂથ, ભાજપા સરકારના લાભાર્થીઓના બળે છેલ્લા 15-20 વર્ષથી ટેન્ડર-કોન્ટ્રાક્ટ-સ્થાનિક સંપત્તિ ભેગી કરનાર જૂથ અને છેલ્લા 10-12 વર્ષમાં પક્ષપલ્ટુઓ સીધા સત્તાની ખુરશીમાં પગદંડો જમાવનારા વિશેષ લાભાર્થીઓનું 3જુ જૂથ.