જાતે ટ્રેકટર ચલાવીને ફોર્મ ભરવા પહોંચ્યા કોંગ્રેસના આ ઉમેદવાર, કર્યો જીતનો દાવો - lok sabha election 2024
Published : Apr 19, 2024, 11:04 PM IST
મહેસાણા: પોલિટિકલ લેબોરેટરી ગણાતા મહેસાણામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે, ત્યારે આજે કોંગ્રેસના લોકસભા બેઠકના ઉમેદવાર રામજી ઠાકોરે આજે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. રામજી ઠાકોર પોતાના વતન તળેટી ગામથી મોટી સંખ્યામાં વાહનો ની રેલી સાથે મહેસાણાના હીરાનગર ચોક ખાતે રેલી સ્વરૂપે પહોંચ્યા હતા. રેલીમાં રામજી ઠાકોર નો અલગ અંદાજ જોવા મળ્યો હતો. રામજી ઠાકોર કોઈ ભવ્ય મોંઘીદાટ ગાડી નહીં પરંતુ જાતે ટ્રેક્ટર ચલાવીને પોતાના ગામથી સભા સ્થળ અને ત્યારબાદ કલેક્ટર કચેરી ખાતે પહોંચી ગયા હતા. રામજી ઠાકોર ના સમર્થનમાં યોજાયેલી સભામાં પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર સહિત મહેસાણા જિલ્લાના કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રામજી ઠાકોરે ચાલુ સભામાં તેમને સમાજ દ્વારા પહેરાવવામાં આવેલી પાઘડી જાતે ઉતારી અને પાઘડીની ઈજ્જત રાખવા લોકો સમક્ષ આહવાન કર્યું હતું. બીજી તરફ ટ્રેક્ટર ચલાવીને રામજી ઠાકોર કલેકટર કચેરી સંકુલની અંદર સુધી કાર્યકર્તાઓની ભીડ સાથે પહોંચી ગયા હતા. ફોર્મ ભર્યા બાદ રામજી ઠાકોરે નિવેદન કર્યું હતું કે કોંગ્રેસ દ્વારા 26 વર્ષ બાદ ઠાકોર સમાજના પ્રતિનિધિને લોકસભા બેઠકમાં ટિકિટ આપી છે. કોંગ્રેસ સર્વ સમાજને સાથે લઈ પોતાને ટિકિટ આપતા દરેક સમાજને સાથે રાખી જીતનું આહવાન કર્યું હતું.