ઓલપાડના બરબોધન ગામે દીપડાએ દેખા દીધી, CCTV ફૂટેજ વાયરલ થતાં ગ્રામજનોમાં ફફડાટ - Surat leopard - SURAT LEOPARD
Published : May 17, 2024, 3:35 PM IST
સુરત : ગત વર્ષે ઉનાળામાં ઓલપાડ કાંઠા વિસ્તારના બરબોધન ગામના નજીકના હજીરા ગ્રામ્ય વિસ્તારમાં દીપડો દેખાયો હતો. આ વર્ષે ફરી ખોરાકની શોધમાં દીપડો આંટાફેરા કરતો દેખાયો છે. ગત 14, મેના રોજ રાત્રીના 2.34 કલાકના સુમારે રામા પેપર મિલ કોલોની પાછળ લગાવેલા CCTV કેમેરામાં દીપડો આંટાફેરા મારતો કેદ થયો હતો. જોકે, આ ફૂટેજ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ગ્રામજનોએ આ ઘટના મામલે પેપર મિલના જવાબદારો સાથે પુષ્ટિ કરી ત્વરિત વન વિભાગના અધિકારીઓને જાણ કરી હતી. વન વિભાગના કર્મીઓએ ઘટનાસ્થળે પહોંચી દીપડાના પગલાંની તપાસ કરી અને દીપડાને ઝડપવા બે પાંજરા ગોઠવ્યા છે. સાથે જ રાત્રીના સમયે ઝાડી-ઝાંખરાવાળા રસ્તા પરથી એકલદોકલ વ્યક્તિને પસાર ન થવા સૂચનાઓ આપી છે. સુરત વન વિભાગ અધિકારી સચિન ગુપ્તાએ જણાવ્યું કે, એક રામા પેપર મિલ પાસે દીપડો અવરજવર કરતો હોવાના CCTV ફૂટેજ સામે આવ્યા હતા. અમારી ટીમ સ્થળ પહોંચી અને સ્થળ પર બે પાંજરા મૂકવામાં આવ્યા છે. દિપડાની અવર જવરને લઈને અમારી ટીમ સતત કામગીરી કરી રહી છે.