ગુજરાત

gujarat

ETV Bharat / videos

અમદાવાદમાં લાલ દરવાજા પાસે ભોંયરુ સળગતા ફાયરબ્રિગેડની 15 ટીમોએ આગ બુઝાવી - Fire incident in Ahmedabad

By ETV Bharat Gujarati Team

Published : May 24, 2024, 4:57 PM IST

અમદાવાદ: લાલ દરવાજા વિસ્તારમાં ત્રણ દરવાજા નજીક આવેલા ટ્યૂટોરિયલ માર્કેટમાં આવેલા ભોયરામાં ગુરુવારે રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. ભોંયરામાં રહેલા આર્ટિફિશિયલ ફૂલોમાં આગ લાગતાં માર્કેટમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. ફાયરબ્રિગેડની 15 ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આગ બુઝાવવાની કામગીરી દરમિયાન ડિવિઝનલ ફાયર ઓફિસર કૈઝાદ દસ્તુરને ધુમાડાની અસર થઈ હતી. જેના કારણે તેઓ બેભાન થઈ ગયા હતા. જેથી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેઓને સારવાર અર્થે SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે બીજા બનાવમાં રાત્રિના એસપી રિંગ રોડ પર નરોડા રણાસણ ટોલ ટેક્સ પાસે એક લક્ઝરી બસ ભડકે બળતા ખાખ થઈ હતી.ભોંયરામાં આગ લાગતાં આખા માર્કેટમાં ધુમાડો ફેલાતાં લોકોમાં દોડધામ મચી ગઈ હતી.

આગ ફેલાતા લોકોમાં દોડધામ મચી: ફાયરબ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ ગત રાત્રે ત્રણ દરવાજા પાસે આવેલા ટ્યૂટોરિયલ માર્કેટમાં ભોંયરામાં આગ લાગી હોવાનો મેસેજ મળતાંની સાથે જ જમાલપુર અને પાંચકૂવા ફાયર સ્ટેશનની કુલ 15 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ટ્યૂટોરિયલ માર્કેટમાં વિવિધ વસ્તુઓના વેચાણની 120થી વધુ દુકાનો આવેલી છે. ભોંયરામાંથી બહાર આવેલો ધૂમાડો માર્કેટમાં ફેલાતાની સાથે જ લોકોમાં દોડધામ મચી ગઈ હતી અને વેપારીઓ દુકાન બંધ કરી બહાર નીકળી ગયા હતા. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે પાણીનો મારો ચલાવી ભોયરામાંથી આગને કાબૂમાં લીધી હતી.

ABOUT THE AUTHOR

...view details