વિસનગરના કમાણા ગામે જૂથ અથડામણ, પોલીસે ટિયરગેસ છોડી પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો - CLASHES BETWEEN GROUPS
Published : Nov 5, 2024, 1:58 PM IST
મહેસાણા: વિસનગરના કમાણા ગામે જૂથ અથડામણ થતા પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો. કમાણા ગામે બાઈકનો હોર્ન વગાડવાની માથાકૂટે મોટું સ્વરૂપ લઈ લીધું હતું. જેમાં પટેલ અને ઠાકોર સમાજના બે જૂથ આમને સામને આવી ગયા હતા. જેમાં પથ્થરો, લાકડીઓ, તલવારો જેવા હથિયાર વડે એકબીજા પર હુમલો શરૂ કરી દીધો હતો. જેમાં 3 જેટલા વ્યક્તિઓને ઇજાઓ પણ પહોંચી હતી. પંચાયતની પાણીની ટાંકી, પાણીના નળ, ગામના ચોક વચ્ચે પડેલું બાઈક, ગામના રામજી મંદિરની વાડીમાં ટોળાએ તોડફોડ કરી હતી. જૂથ અથડામણ થતાં વિસનગર તાલુકા પોલીસ અને વિસનગર ડીવાયએસપી ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને ટોળાને વિખેરવા માટે ટીયર ગેસ છોડવાની ફરજ પડી હતી અને મામલો શાંત પાડીને પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો. બંને તરફ પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી હતી. આ ઘટનામાં 3 થી 4 વ્યક્તિઓને ઈજા પણ પહોંચી હતી.