રાજકોટ અગ્નિકાંડ બાદ જામનગર મનપા દ્વારા 14 ગેમિંગ ઝોનમાં કરાઇ તપાસ કામગીરી - Investigation by the Municipality
Published : May 26, 2024, 4:29 PM IST
જામનગર: મહાનગરપાલિકામાં કોન્ફરન્સ રૂમમાં અધિકારીઓની બેઠક યોજાઇ હતી અને આવતી કાલ સુધીમાં રાજ્ય સરકારમાં મનપાએ રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. જામનગર મનપા દ્વારા એસ્ટેટ શાખા, ફાયર શાખા, PGVCL,TPO અને મનપા લાઈટ શાખાના અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મનપા દ્વારા જુદી જુદી ટીમો બનાવીને શહેરમાં ચાલતા ગેમ ઝોનની તપાસ કામગીરી કરવામાં આવશે. મનપાની ત્રણ ટીમો દ્વારા સમગ્ર શહેરમાં સર્વે અને રોજ કામની કામગીરી આજે કરવામાં આવશે. તમામ ગેમ ઝોન બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મહાનગરપાલિકા દ્વારા તપાસ
રાજકોટની ગોઝારી ઘટના બાદ જામનગર મનપા એક્શનમાં છે. જામનગર શહેરમાં કુલ 14 જેટલા નાના મોટા ગેમ ઝોન આવેલા છે. તમામ ગેમ ઝોનમાં ફાયર શેફ્ટીના સાધનોનું ચેકીગ કરવામાં આવશે. રવિવારની રજાના દિવસે પણ મનપાના અધિકારીઓએ દોડતા થયા હતા. જામનગરમાં ઠેબા ચોકડી પાસે આવેલા JCRના ગેમ ઝોનમાં મહાનગરપાલિકાની ટીમ પહોંચી હતી જેમા ફાયર સેફટી સહિતના સાધનોનું ચેકિંગ કરવામાં આવ્યું છે અને શહેરમાં જુદી જુદી જગ્યાએ આજ રોજ ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.