ગીર સોમનાથ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પુત્ર અનંત અંબાણીએ આજે સોમનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી પિતા પુત્રની આ જોડી બે દિવસથી દ્વારકા અને સોમનાથમાં દર્શન માટે આવ્યા છે ત્યારે આજે બીજા તબક્કામાં સોમનાથ દર્શન કરીને મહાદેવ પર જળાભિષેક ધ્વજા પૂજા અને સોમેશ્વર મહાપૂજામાં ભાગ લઈને સમગ્ર ભારતમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે તેવી પ્રાર્થના કરી હતી
મુકેશ અંબાણી સોમનાથ દાદાના શરણે
રિલાયન્સ ગ્રુપ અને ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેના પુત્ર અનંત અંબાણી પાછલા બે દિવસથી સૌરાષ્ટ્રના પ્રવાસે જોવા મળી રહ્યા છે ગઈકાલે મુકેશ અને અનંત અંબાણીએ દ્વારકાધીશના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરી હતી, ત્યારે આજે બીજા દિવસે મુકેશ અંબાણી અને અનંત અંબાણી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે પહોંચ્યા હતા.
અહીં તેમણે મહાદેવને પૂજા સામગ્રી અને નૂતન વસ્ત્રો અર્પણ કરીને સોમનાથ દાદાના દર્શન કર્યા હતા મંદિર પરિસરમા અનંત અંબાણી અને મુકેશ અંબાણીએ મહાદેવ પર જળાભિષેક સોમેશ્વર મહાપૂજા અને ધ્વજા પૂજા કરીને સોમનાથ મહાદેવ પ્રત્યે સમગ્ર અંબાણી પરિવારની આસ્થા વ્યક્ત કરી હતી
દ્વારકાધીશ અને સોમનાથમાં અંબાણી પરિવારને આસ્થા
ભારતનો સૌથી મોટો ઉધોગપતિ પરિવાર ધીરુભાઈ અંબાણીના સમયથી દ્વારકાધીશ અને સોમનાથ મહાદેવમાં અનન્ય શ્રદ્ધા ધરાવે છે મુકેશ અંબાણીના માતા પિતા ધીરુભાઈ અને કોકીલાબેન અંબાણી પણ દ્વારકાધીશ અને સોમનાથ મહાદેવના દર્શન અનેક વાર કરી ચૂક્યા છે. ત્યારબાદ હવે આ દર્શનની પરંપરા અંબાણી પરિવાર દ્વારા મુકેશ અંબાણી અને તેના પરિવાર દ્વારા જળવાતી જોવા મળી રહી છે.
અંબાણી પરિવારના સદસ્યો સમાન અંતરે દ્વારકાધીશ અને સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે પણ આવતા હોય છે, તે જ રીતે અંબાણી પરિવાર અંબાજી માતાના દર્શન કરવા માટે પણ અચૂક જાય છે. સોમનાથ દાદાના દર્શને આવેલા મુકેશ અંબાણી અને પુત્ર અનંત અંબાણીએ મંદિર પરિસરમાં દક્ષિણ ધ્રુવ સ્તંભ વિશે પણ માહિતી પ્રાપ્ત કરી હતી અને અહીં લગાવવામાં આવેલા દક્ષિણ ધ્રુવ સ્તંભને પણ જોઈને તેના વિશેની વિશેષ જાણકારી પણ પ્રાપ્ત કરી હતી.