Death of Leopard: માંગરોળ તાલુકામાં માર્ગ અકસ્માતમાં બે વર્ષના દીપડાનું મોત નિપજ્યું - બે વર્ષના દીપડાનું મોત
Published : Mar 8, 2024, 10:54 AM IST
સુરત: જિલ્લાના માંગરોળ, માંડવી, ઉમરપાડા સહિતના તાલુકાઓના જંગલ વિસ્તારમાં બહોળી સંખ્યામાં દીપડાઓ વસવાટ કરે છે. અવાર નવાર દીપડાઓ શિકારની શોધમાં જંગલ વિસ્તાર છોડી માનવ વસ્તી તરફ આવતા હોય છે. અને પાલતુ પ્રાણીઓનો શિકાર કરતા હોય છે. ત્યારે શિકારની શોધમાં માનવ વસ્તી તરફ આવી રહેલ એક દીપડો મોતને ભેટ્યો હતો. માંગરોળ તાલુકાના લવેટ ગામ પાસે પસાર થતા રસ્તા પર એક દીપડો રસ્તો ક્રોસ કરી રહ્યો હતો. તે દરમિયાન અજાણ્યા વાહન અડફેટે આવી જતા દીપડાને પીઠના ભાગે ગંભીર રીતે ઈજાઓ થઈ હતી અને ઘટના સ્થળે દીપડો મોતને ભેટ્યો હતો.
વાંકલ રેન્જના વન વિભાગના કર્મચારી હિતેશ માળીએ જણાવ્યું હતું કે બનેલ બનાવને પગલે અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી.અને મૃતક દીપડાનો કબજો લીધો હતો. મૃતક દીપડાની ઉંમર અંદાજિત બે વર્ષ છે. હાલ આ મૃતક દીપડાને પીએમ અર્થે નજીકની પશુ સારવાર કેન્દ્ર ખાતે લઇ જવામાં આવ્યો છે. આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.