શાકભાજી લેવા જતાં મોતને ભેટ્યા: સુરતમાં કડોદરા નજીક અકસ્માતમાં કાકા-ભત્રીજાનું મોત... - surat Kadodara overbridge accident - SURAT KADODARA OVERBRIDGE ACCIDENT
Published : Jul 8, 2024, 8:13 PM IST
બારડોલી: ચલથાણની સંજીવીની હોસ્પિટલમાં રહેતું દંપતી ત્રણ વર્ષના ભત્રીજા અને એક સંબંધી યુવતીને લઈ મોટર સાઇકલ પર કડોદરા આવવા નિકળ્યું હતું તે સમયે કડોદરા ચાર રસ્તા ઓવરબ્રિજના નાકે મુંબઈથી અમદાવાદ જતાં રોડ પર ટેમ્પોની પાછળ મોટર સાઇકલ ભટકાતાં સર્જાયેલા અકસ્માતમાં મોટર સાઇકલ ચાલક યુવક અને તેના ત્રણ વર્ષના ભત્રીજાનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
મોટર સાઇકલ પર કડોદરા જતા હતા: ચલથાણ ખાતે સંજીવીની હોસ્પિટલ ક્વાટર્સમાં રહેતા નૈનેશકુમાર રાજેશભાઈ વળવીએની પત્ની કવિત્રાબેન સંજીવીની હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરે છે. જે રવિવારના રોજ સંજીવીની હોસ્પિટલના ક્વાટર્સથી તેમની મોટર સાઇકલ નંબર લઈ તેમની બાજુમાં રહેતા પિતરાઇ લક્ષ્મણભાઈ રમેશભાઈ વસાવાનો દીકરો યુવરાજ તેમજ નૈનેશભાઈને ત્યાં મહેમાન તરીકે આવેલ તેમની સંબંધી પ્રતિમાબેન વસાવા અને પત્ની કવિત્રા સાથે કડોદરા ખાતે આવવા નીકળ્યા હતા.
અચાનક બ્રેક મારતા અકસ્માત: આ સમયે રાત્રિના 8.45 વાગ્યાના અરસામાં તેમનું મોટર સાઇકલ નેશનલ હાઇવે નંબર 48 ઉપર કડોદરા ચાર રસ્તા ઓવરબ્રિજના નાકે મુંબઈથી અમદાવાદ જતાં રસ્તા પરથી પસાર થતું હતું ત્યારે આગળ ચાલતા એક આઈશર ટેમ્પોના ચાલક અશોક નંદલાલ રામદેવ યાદવએ ટેમ્પો બેદરકારી રીતે અચાનક બ્રેક મારી રોડની સાઈડમાં ઊભો કરી દેતાં પાછળથી મોટર સાઇકલ લઈને આવતા નૈનેશકુમારની મોટર સાઇકલ ટેમ્પોમાં ભટકાઇ હતી અને ગોજારો અકસ્માત સર્જાયો હતો.
કાકા ભત્રીજાનું મોત: આ અકસ્માતમાં નૈનેશ તેમજ ત્રણ વર્ષના બાળક યુવરાજને ગંભીર ઇજા પહોંચતા તેનું સ્થળ પર જ મોત નીપજયું હતું. જ્યારે તેની પત્ની કવિત્રા અને સંબંધી પ્રતિમાને ઇજા પહોંચતા સારવાર માટે ચલથાણ સંજીવીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે કડોદરા પોલીસને જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી આ અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
શાકભાજી લેવા જતા અકસ્માત: નૈનેશ તેની પત્ની, ભત્રીજા અને સંબંધી મહિલા સાથે મોટર સાઇકલ પર કડોદરા શાકભાજી માર્કેટમાં જવા નીકળ્યા હતા. કડોદરા ચાર રસ્તા પાસે ટ્રાફિક વધુ રહેતું હોય અને અંડર પાસને કારણે લાંબો ચકરાવો લેવો પડતો હોય તેઓ ઓવરબ્રિજ ચઢીને કડોદરા ગામમાંથી શાકભાજી માર્કેટમાં જવાના હતા. પરંતુ તેઓ બ્રિજ ઊતરતી વખતે જ અકસ્માતનો ભોગ બન્યા હતા.