ગુજરાત

gujarat

પારસી સમુદાયનું નવું વર્ષ : નવરોઝ, પવિત્રસ્થળ ઉદવાડામાં પારસી બંધુઓએ ઉજવણી કરી - Navroz 2024

By ETV Bharat Gujarati Team

Published : Aug 16, 2024, 6:27 PM IST

પારસીઓના પવિત્ર સ્થળ એવા ઉદવાડા ગામ ખાતે આવેલી અગિયારીમાં પારસી સમાજના લોકોએ નવરોઝના દિવસે એકબીજાને મુબારક બાદ પાઠવી નવા વર્ષની ઉજવણી કરી હતી. નોંધનીય છે કે, પારસી સમુદાય વર્ષના છેલ્લા દિવસને પતેતી અને પ્રથમ દિવસને નવરોઝ તરીકે મનાવે છે.

ઉદવાડામાં નવરોઝની ઉજવણી
ઉદવાડામાં નવરોઝની ઉજવણી (ETV Bharat Reporter)

ઉદવાડામાં પારસી બંધુઓએ નવરોઝની ઉજવણી કરી (ETV Bharat Reporter)

વલસાડ : પારસીઓનું નવું વર્ષ એટલે નવરોઝ. દેશ અને દુનિયાભરના પારસીઓ નવા કેલેન્ડર વર્ષ 1394 ના પ્રથમ દિવસની નવરોઝ તરીકે ઉજવણી કરે છે. આજે પારસીઓના સૌથી મોટા ધર્મસ્થળ વલસાડના ઉદવાડામાં પારસીઓએ પોતાના ઇસ્ટ દેવ પવિત્ર આશત બહેરામની પૂજા અર્ચના કરી હતી.

પવિત્રસ્થળ ઉદવાડા (ETV Bharat Reporter)

પારસીઓનું નવું વર્ષ :ઉદવાડા પહોંચેલા પારસી બંધુઓએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. મહત્વપૂર્ણ છે કે., પોતાના ધર્મની રક્ષા માટે પોતાનું વતન ઈરાન છોડી દરિયાઈ માર્ગે આશરાની શોધમાં નીકળેલા પારસીઓને આખરે ભારતમાં આશરો મળ્યો હતો. જે બાદ વર્ષોથી ભારતમાં વસેલી પારસી કોમ આજે પણ તેમના દેશ પ્રેમ અને શાંતિ માટે જાણીતી છે.

ભારતમાં પારસીઓનું આગમન:ભારતમાં વર્ષો પહેલા ગુજરાતના સંજાણ બંદરે આવેલા પારસીઓ માટે નવરોઝનો દિવસ ખુશીઓનો દિવસ હોય છે. ઈરાનથી સંજાણ બંદરે આવેલા પારસીઓએ પોતાને આશરો આપનાર સંજાણના જાદિ રાણાને આપેલા વચન પ્રમાણે આજે પણ પારસીઓ ભારતમાં દૂધમાં સાકર ભળે તેમ દરેક સમાજ સાથે ભળી ગયા છે.

ઉદવાડામાં નવરોઝની ઉજવણી (ETV Bharat Reporter)

ઉદવાડામાં નવરોઝની ઉજવણી :આજે પારસીઓના કેલેન્ડર મુજબ 1394 માં નવા વર્ષની શરૂઆત થઇ છે. પારસીઓનું કાશી એવા સૌથી મોટા ધર્મસ્થળ વલસાડનું ઉદવાડા દેશ અને દુનિયામાં વસતા દરેક પારસી માટે સૌથી મોટું પવિત્ર ધર્મસ્થળ છે. આજે ઉદવાડા પહોંચી પારસી બંધુઓ ઇષ્ટદેવ આતશ બહેરામની પૂજા અર્ચના કરે છે.

વર્ષનો છેલ્લા દિવસ-પતેતી :પારસી કેલેન્ડર મુજબ વર્ષનો છેલ્લો દિવસ એટલે પતેતી. પતેતી એટલે વર્ષ દરમિયાન કરેલા પાપના પશ્ચાતાપ કરવાનો દિવસ. દરેક પારસી પતેતીના રોજ પારસી વિધિ મુજબ પેટેટ પશીમાની વિધિ કરે છે. આખા વર્ષ દરમિયાન જાણે અજાણે કોઈ ભૂલ કરી હોય તો પ્રભુ પાસે માફી માંગવાની હોય છે. પતેતી પછીનો દિવસ એટલે નવરોઝ.

પવિત્ર અગ્નિની આરાધના :નવા વર્ષના પ્રથમ દિવસ નવરોઝના દિવસે પારસીઓ પોતાના સ્વજનના આશીર્વાદ લે છે અને એકબીજાને શુભેચ્છા પાઠવે છે. આજે મુંબઈ, અમદાવાદ, વડોદરા અને પુના જેવા અનેક શહેરોથી પારસી સમુદાયના લોકો તેમના પવિત્ર અગ્નિની આરાધના કરવા માટે ઉદવાડા ગામ પહોંચ્યા હતા.

ઘરઆંગણે કલાત્મક રંગોળી :વર્ષોથી ઉદવાડા ગામ ખાતે આવીને વસેલા પારસી સમાજના લોકોના ઘરો આજે પણ પરંપરાગત લાકડામાંથી અને વિવિધ નકશીકામ વાળા, અસલ પારસી સમુદાયના ઘર જેવા દેખાઈ આવે છે. આજે નવા વર્ષના દિવસે ઉદવાડા ગામમાં વસવાટ કરતા મોટાભાગના પારસી સમુદાયના લોકોને ઘરઆંગણે કલાત્મક રંગોળી કરેલી જોવા મળી હતી.

વિશ્વશાંતિ માટે પ્રાર્થના :પારસી કોમના વડા અને ધર્મગુરુ દસ્તુરજીએ જણાવ્યું કે, સમગ્ર વિશ્વના વિવિધ દેશોમાં હાલ તણાવ ચાલી રહ્યો છે. ત્યારે માત્ર ભારત દેશ નહીં પરંતુ તેની આસપાસ અને વિશ્વના તમામ દેશોમાં શાંતિ સ્થપાઈ, ભાઈચારો વધે તેવી પ્રાર્થના પવિત્ર અગિયારીમાં કરી હતી. ભારત દેશનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, જે રીતે પારસી કોમને ભારતે સાચવી છે, તે માટે ખૂબ આભાર.

  1. પારસીઓના નવા વર્ષનો પ્રારંભઃ જાણો તેમના ઈતિહાસ અંગે - Parsi New Year 2024
  2. પારસીઓ દ્વારા મેઘરાજાને રીઝવવા પવિત્ર મહિના બહેમનમાં ઘી-ખીચડીનું સામૂહિક ભોજન

ABOUT THE AUTHOR

...view details