બનાસકાંઠા: બનાસકાંઠાના સરહદી ભારત-પાકિસ્તાનની બોર્ડર પર આવેલા વાવ તાલુકાના રાધાનેસડા અને લાપડીયા ગામમાં આઝાદી પછી આજ દિન સુધી લાઈટ આવી નથી. જોકે મહત્વની વાત એ છે કે રાધાનેસડા ગામે વિશ્વનો મોટો સોલાર પાર્ક બનાવવામાં આવ્યો છે. જે સોલાર પાર્ક દ્વારા ગુજરાતમાં વીજળી આપવામાં આવે છે.
પરંતુ આ જ ગામમાં વીજળી નથી જેને લઈને સ્થાનિકો મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને સાંજ પડતાની સાથે જ આ બંને ગામોમાં અંધારપટ છવાઈ જાય છે. જ્યારે લાપડીયા વિસ્તારમાં 70 થી 80 પરિવાર વસવાટ કરે છે અને રાધાનેસડા ગામમાં 600 પરિવાર વસવાટ કરે છે. જેમાં ગણ્યા ગાઠ્યા 50 ઘરોમાં છ મહિના અગાઉ વીજળી આપવામાં આવી છે. પરંતુ હજુ 500થી 550 પરિવાર અંધારપટમાં રહી રહ્યા છે.
ETV Bharat સમક્ષ લોકોએ રજૂ કરી વ્યથા: બનાસકાંઠા જિલ્લામાં આવેલા સરહદી વિસ્તારના બે ગામમાં વીજળી વિના ગામ લોકો કેવી રીતે વર્ષોથી પોતાનું જીવન પસાર કરી રહ્યા છે તે જાણવા માટે ETV Bharatની ટીમ ભારત અને પાકિસ્તાન બોર્ડર પર આવેલા છેલ્લા ગામોની મુલાકાતે.

વીજળી વિના જીવવું મુશ્કેલ બન્યું: આ છે ભારત અને પાકિસ્તાનની બોર્ડરને આવેલું રાધાનેસડા અને લાપડીયા ગામ. આ બંને ગામ દેશ આઝાદ થયો ત્યારથી આજ દિન સુધી વિકાસની રાહ જોઈને બેઠા છે. ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા તે દિવસથી આ ગામમાં મોટાભાગના લોકો પોતાના પરિવાર સાથે જ વસવાટ કર્યો હતો. પરંતુ આજે વર્ષો વીતી ગયા તેમ છતાં પણ બોર્ડરના વિસ્તારોમાં વર્ષોથી રાધાનેસડા અને લાપડીયા ગામમાં કોઈ જ વીજળી પહોંચી નથી. જેના કારણે અહીંની પ્રજા વર્ષોથી અનેક સમસ્યાનો સામનો કરી રહી છે.

બોર્ડર વિસ્તારમાં વસવાટ કરતા લોકોની સ્થિતિ દયનીય બની છે. આ ગામમાં વસવાટ કરતા લોકોને નથી પીવા માટેનું પાણી મળતું કે નથી ઘરમાં અજવાળે રહેવા માટે લાઈટ મળતી. જેના કારણે વર્ષોથી રાધાનેસડા અને લાપડીયા ગામમાં સાંજે સાત વાગતાની સાથે જ અંધારપટ છવાઈ જાય છે.
રાત્રિના સમયે લોકો ભયમાં રહે છે: બોર્ડર વિસ્તારનું ગામ હોવાના કારણે અહીં વસવાટ કરતા લોકોને રાત્રિના સમયે રહેતા પણ ભય સતાવી રહ્યો છે. તેમ છતાં પણ અહીંના લોકો ભય વચ્ચે પણ પોતાનું જીવન પસાર કરી રહ્યા છે. ચારે બાજુ જ્યાં નજર કરો ત્યાં માત્ર ગરીબી હેઠળ જીવન પસાર કરતા લોકો જ નજરે પડી રહ્યા છે. ખાસ કરીને બોર્ડર વિસ્તાર પર રાત્રિનો સમય થતાની સાથે જ અહીંના લોકો ઝેરી જીવજંતુના ભયના કારણે પોતાના બાળકોને સમયસર જમવાનું આપી ખાટલા પર સુરક્ષિત રીતે રાખવામાં આવે છે.

ગામની બાજુમાં જ સોલર પ્લાન્ટ: બોર્ડર વિસ્તારના છેલ્લા ગામોમાં લાઈટો આવે તે માટે સ્થાનિક લોકોએ અનેકવાર સરકારમાં રજૂઆત કરી છે. તેમ છતાં પણ આજ દિન સુધી આ ગામમાં લાઈટની સુવિધા પૂરી પાડવામાં ન આવતા સ્થાનિક લોકો અંધારપટ જીવન પસાર કરી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં લાઈટ ઉત્પન્ન થાય તે માટે સરહદી વિસ્તારમાં મોટા પ્રમાણમાં સોલાર પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. પરંતુ સોલાર પ્લાન્ટની બાજુમાં જ આવેલા ગામોમાં લાઈટો ન હોવાના કારણે અહીંના લોકો સરકાર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. હાલમાં માત્ર ગામમાં આવેલી સરકારી શાળા અને ગ્રામ પંચાયતમાં જ લાઈટની સુવિધા પૂરી પાડવામાં આવે છે. ત્યારે દરેક લોકોના ઘર સુધી સરકાર લાઈટો પહોંચાડે તેવી હાલ આ ગામના લોકો માંગ કરી રહ્યા છે.

તંત્રને અનેક રજૂઆત છતાં પરિણામ નહીં: ગામના અગ્રણી વિહાભાઇ ઠાકોરે જણાવ્યું હતું કે, આઝાદી પછી અમારા આ બંને ગામોમાં આજ દિન સુધી વીજળી આપવામાં આવી નથી. વીજળીના કારણે બાળકોના અભ્યાસ પર મોટી અસર પડી રહે છે. જોકે અમે આ બાબતે કેટલી વાર રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે નેતાઓ અમારા ગામની મુલાકાત લે છે જ્યારે અમે લાઈટ વિશે તેમને રજૂઆત કરીએ છીએ અને નેતાઓ વાયદાઓ આપી અને જતા રહે છે. પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જ્યારે ઉનાળો અને ચોમાસુ આવે છે ત્યારે અમને મોટા પ્રમાણમાં મુશ્કેલ પડી છે. રાતના જમવું હોય ત્યારે અમે લાઈટ ના હોવાના કારણે ખૂબ જ તકલીફ પડે છે. તંત્ર દ્વારા અમારા ગામને તાત્કાલિક ધોરણે વીજળી આપવામાં આવે તેવી માંગ છે.

સંબંધીત અધિકારીએ તપાસ બાદ કાર્યવાહી કરવાનું આપ્યું આશ્વાસન
આ બાબતે નાયબ કલેક્ટર તુષાર.કે.જાનીનો ETV Bharat ભારતે સંપર્ક કરીને પૂછતાં તેમને જણાવ્યું હતું કે, અમે આ બાબતે કોઈ ઇન્ટરવ્યૂ આપી શકીએ તેમ નથી. અમે આની તપાસ કરી અને કાર્યવાહી કરીશુ. આ ગામોમાં અગાઉ સોલાર પ્લેટો અને બેટરીઓ આપી હતી. તેની જાળવણી કેમ ન થઈ? બાકી સ્થાનિક અધિકારી અને વિદ્યુત બોર્ડના વ્યક્તિ સોલ્વ કરી શકે તેમ છે, તેવું મૌખિક જણાવ્યું હતું. આ બાબતે નાયબ કલેક્ટર સાથે ETV Bharatના એડિટર મયુરીકા માયાએ વાત કરી હતી, તેમાં નાયબ કલેક્ટર તુષાર કે. જાનીએ અધિકારીક નિવેદન આપવાનો ઈન્કાર કર્યો હતો.
આ પણ વાંચો: