ગાંધીનગર:વિશ્વ યુવા દિવસે અમદાવાદમાં કેન્દ્રીય યુવા અને રમત-ગમત મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં 'IMPACT WITH YOUTH' કોન્ક્લેવ યોજાયો હતો. કેન્દ્રીય મંત્રીએ યુવાનોને વિકસિત ભારતના સંવાહક ગણાવતા કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપ સૌને લક્ષ્યમાં રાખીને 2047માં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું સ્વપ્ન જોયું છે. માટે દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં યુવાનોની વિશેષ જવાબદારી છે.
આપણો દેશ સૌથી યુવા દેશ છે: યુવાનોની સફળતાને દેશની સફળતા ગણાવતા મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, આશરે 60 કરોડનું યુવાધન ધરાવતો આપણો દેશ સૌથી યુવા દેશ છે. યુવાનો જ્યાં છે ત્યાંથી દેશની પ્રગતિમાં જોડાય, દેશની પ્રગતિમાં યોગદાન આપે. ટેકનોલોજીના સદુપયોગ પર ભાર મૂકતા તેમણે 'માય ભારત પોર્ટલ'નો મહત્તમ ઉપયોગ કરવા માટે પણ યુવાનોને અપીલ કરી હતી.
ખેલકુદ અને સાઇકલિંગને જીવનનો ભાગ:પર્યાવરણને પ્રાથમિકતા આપી અને પ્રદૂષણ ઘટાડવા માટેના યુવાનોને સક્રિય પ્રયાસો કરવા જોઈએ તેમ જણાવી તેમણે યુવાનોને ખેલકુદ અને સાઇકલિંગને જીવનનો ભાગ બનાવવા માટે પ્રેર્યાં હતા. આ ઉપરાંત કૌશલ્ય વિકાસને કારકિર્દી ઘડતરમાં અતિ અગત્યનું પાસું ગણાવી તેમણે ઉમેર્યું કે, યુવાનોના કૌશલ્ય વિકાસ માટે તાજેતરના કેન્દ્રીય બજેટમાં ઇન્ટર્નશિપ જેવી યોજનાઓની જોગવાઈ કરવામાં આવી છે. જેના દ્વારા એક કરોડ જેટલા યુવાનોને પ્રીમિયમ કંપનીઓમાં ઇન્ટર્નશિપ આપી કૌશલ્યવાન યુવાવર્ગ તૈયાર કરવાનું સરકારનું આયોજન છે. હાલમાં ભારત સરકારનું સંપૂર્ણ ધ્યાન દેશના ભવિષ્ય સમાન યુવાનોમાં સમય અને શક્તિના રોકાણ પર કેન્દ્રિત છે, એવું તેમણે ઉમેર્યું હતું.