જૂનાગઢઃ આજે સમગ્ર વિશ્વમાં સંસ્કૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રત્યેક સમાજ, રાજ્ય અને રાષ્ટ્રને એક અલગ સંસ્કૃતિ હોય છે જેના દ્વારા તેનું સાંસ્કૃતિક મૂલ્ય પણ નક્કી થતું હોય છે. ભારતના વિવિધ પ્રાંતોમાં લોક પરંપરા અનુસાર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા હોય છે. જેના દ્વારા ભારત સંસ્કૃતિની દ્રષ્ટિએ સમગ્ર વિશ્વમાં આજે પણ અલગ તરી આવે છે. જેટલી અને જેવી સંસ્કૃતિનું સિંચન ભારતમાં થયું છે તેવી અને તેટલી સંસ્કૃતિ વિશ્વના એક પણ દેશમાં જોવા મળતી નથી. જેને કારણે ભારત સંસ્કૃતિ ને લઈને વિશ્વનો અજોડ દેશ પણ બન્યો છે.
વિવિધ રાજ્યોના વિવિધ સાંસ્કૃતિ પર્વોઃ ભારતના પ્રત્યેક પ્રાંતમાં વિવિધ સાંસ્કૃતિક પર્વો જોવા મળે છે. જે રીતે ગુજરાતીમાં નવરાત્રિની ધામધૂમ હોય છે. ગુજરાતની વાત કરીએ તો આપણા ગરબા વિશ્વ ફલક સુધી પહોંચ્યા છે. વિશ્વના સૌથી લાંબા તહેવાર તરીકે નવરાત્રિને ઓળખ મળી છે. નવરાત્રિની જેમ મહારાષ્ટ્રમાં ગણપતિ મહોત્વ, બંગાળમાં દુર્ગા પૂજા અને દક્ષિણના રાજ્યોમાં ઓનમનું ખૂબ જ મહત્વ હોય છે. પ્રત્યેક રાજ્યની અલગ અલગ સંસ્કૃતિ ભારતને વિશ્વના સાંસ્કૃતિક સ્તરે મજબૂતાઈથી રજૂ કરે છે. ભારતના લોકો ઉત્સવ પ્રિય હોવાને કારણે પણ સમયાંતરે સંસ્કૃતિમાં સંશોધન પણ થતું રહે છે. વિવિધ ઉત્સવો કે જે સીધી રીતે ધર્મ કે પરંપરા સાથે જોડાયેલા છે તેનું પણ સતત આયોજન થતું હોય છે. મોટા મોટા મેળાવડાઓ, કુંભમેળો અને ગિરનારની પરિક્રમા અને મહાશિવરાત્રીનો મેળો પણ ભારતની સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે.