ગુજરાત

gujarat

ETV Bharat / state

વિશ્વ ઊંટ દિવસ : વિશ્વમાં એક માત્ર કચ્છમાં જોવા મળતા ખારાઈ ઊંટોની વાસ્તવિક સ્થિતિ - World Camel Day 2024

22 જૂનને વિશ્વ ઊંટ દિવસ તરીકે માન્યતા મળી છે. ભારતમાં કચ્છ જિલ્લો ઊંટની મુખ્ય બે પ્રજાતિ માટે અનુકૂળ ભૌગોલિક સ્થાન છે. જોકે વિશ્વભરમાં માત્ર કચ્છમાં જોવા મળતા ખારાઈ ઊંટમી સ્થિતિ વિપરીત છે. આ ઊંટની પ્રજાતિ ધીરે ધીરે લુપ્ત થવા તરફ આગળ વધી રહી છે. આવું થવાનું કારણ શું અને ખારાઈ ઊંટોની વાસ્તવિક સ્થિતિ શું ? જુઓ આ ખાસ અહેવાલ...

વિશ્વ ઊંટ દિવસ
વિશ્વ ઊંટ દિવસ (ETV Bharat Reporter)

By ETV Bharat Gujarati Team

Published : Jun 22, 2024, 11:00 PM IST

કચ્છ :22 જૂન એટલે કે વિશ્વ ઊંટ દિવસ. કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દર વર્ષે આ દિવસની ઉજવણી કચ્છના ઊંટપાલકો સાથે કરે છે. યુનાઇટેડ નેશન્સ દ્વારા વર્ષ 2024 ને આંતરરાષ્ટ્રીય કેમલ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું અને તેની ઉજવણી પણ દર મહિને કરવામાં આવી રહી છે. પરંતુ આજે કચ્છમાં જોવા મળતા ખારાઈ ઊંટની પ્રજાતિ લુપ્ત થવાના આરે પહોંચી છે. જોકે ખારાઈ ઊંટની આ સ્થિતનું કારણ શું ?

માત્ર કચ્છમાં જોવા મળતા ખારાઈ ઊંટોની વાસ્તવિક સ્થિતિ (ETV Bharat Reporter)

કચ્છના ખારાઈ ઊંટ : કચ્છમાં બે પ્રકારના ઊંટ જોવા મળે છે, ખારાઈ અને કચ્છી ઊંટ. ઊંટની ખારાઈ જાતિ તેની દરિયામાં તરવાની ક્ષમતા માટે જાણીતી છે. તે રણમાં મુસાફરી કરતા નથી, પરંતુ ખોરાક મેળવવા તે દરિયાના પાણીની અંદર ચેરિયાનું ચરિયાણ કરવા જાય છે. ખારાઈ ઊંટની પ્રજાતિને રાષ્ટ્રીય માન્યતા પણ મળી છે. મોટાભાગે રબારી અને ફકીરાણી જત સમુદાયના લોકો કચ્છમાં પશુપાલન સ્વરૂપે ખારાઈ ઊંટની કાળજી લે છે.

શા માટે ખાસ છે ખારાઈ ઊંટ ?ખારાઈ ઊંટ ખાસ કરીને કચ્છના દરિયાકાંઠાના ગામડાઓમાં જોવા મળે છે, જેનું પ્રાથમિક કારણ ચેરિયા ખોરાકનો સ્ત્રોત છે. ખારાઈ ઊંટ સામાન્ય રીતે દરિયાઈ મેન્ગ્રોવ્સને ખોરાક તરીકે આરોગે છે. દરિયામાં દોઢથી બે કિલોમીટર તરીને આ ઊંટ ખોરાક માટે ચેરિયા જંગલમાં જાય છે. કચ્છમાં ખારાઈ ઊંટ ભચાઉ તાલુકાના ચિરઈથી લઈને વોંધ, જંગી, આંબલિયારા અને સૂરજબારી સુધીના ખાડી પ્રદેશમાં જોવા મળે છે. ખારાઈ ઊંટ સમગ્ર ભારતમાં માત્ર કચ્છ અને ખંભાતના અખાતના કાંઠે જ જોવા મળે છે. સાથે જ આખા વિશ્વમાં દરિયામાં તરવાની કુદરતી ક્ષમતા માત્ર કચ્છના ખારાઇ ઊંટમાં જ છે.

ખારાઈ ઊંટની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો :કચ્છ જિલ્લામાં કચ્છી ઊંટની સંખ્યામાં વધારો થયો છે. હાલ કચ્છમાં 14000 જેટલા કચ્છી ઊંટ છે. બીજી તરફ ખારાઈ ઊંટની સંખ્યા અગાઉ 15,000 જેટલી હતી, જે આજે માત્ર 1800 થી 2000 જેટલી જ રહી છે. જો કચ્છમાં ખારાઈ ઊંટો માટે મહત્ત્વના ચરિયાણ એવા કાંટાળા જંગલો અને દરિયાઈ વનસ્પતિ ચેરિયાં બચાવવામાં આવે, તો જ આવનારા વર્ષોમાં ખારાઈ ઊંટની પ્રજાતિ ટકી રહેશે.

ખારાઈ ઊંટની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો (ETV Bharat Reporter)

ખારાઈ ઊંટનો મુખ્ય ખોરાક :ખારાઈ ઊંટ નજીકના જ દરિયામાં પ્રવેશીને ચેરિયાના જંગલોમાં ચરવા જતા હતા. જોકે હવે કચ્છના દરિયાકિનારે ઉદ્યોગીકરણ સતત વધતું રહ્યું છે. જેના કારણે હવે દરિયા સુધી જવાનો કુદરતી માર્ગ બંધ થઈ ગયો છે. આ ઉદ્યોગોના કારણે ચેરિયાના જંગલો પણ નાશ પામ્યા છે. જેથી ખારાઈ ઊંટને મુખ્ય ખોરાકની અછત પડી રહી છે. સાથે ધીરે ધીરે આ પ્રજાતિના ઊંટની સંખ્યા ઘટી રહી છે. ઊંટ ઉછેરની બાબતમાં સમગ્ર દેશમાં કચ્છ એકમાત્ર એવો જિલ્લો છે કે જ્યાં ખારાઈ સિવાયના કચ્છી ઊંટની સંખ્યા ઘટવાને બદલે વધી છે અને તેમાં 20 ટકા જેટલો વધારો નોંધાયો છે.

ઉદ્યોગીકરણની ચેરિયા જંગલ પર અસર :ઉલ્લેખનીય છે કે, ઇન્ડિયન સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2021 (Indian State of Forest Report 2021) પ્રમાણે જાન્યુઆરી 2022માં કચ્છમાં ચેરિયાની સંખ્યામાં લગભગ 4 ચોરસ કિલોમીટર જેટલો વધારો નોંધાયો હતો. અને કચ્છ જિલ્લામાં કુલ 798.74 ચોરસ કિલોમીટરમાં ચેરિયાના જંગલો નોંધાયા હતા. ઉદ્યોગીકરણના કારણે ચેરિયાના ચરિયાણનું નિકંદન થતા ખારાઈ ઊંટની સંખ્યામાં ઘટાડો થયો છે. હવે કચ્છમાં માત્ર 1800 થી 2000 જેટલા જ ખારાઈ ઊંટ બચ્યા છે.

કચ્છના ખારાઈ ઊંટ (ETV Bharat Reporter)

ચેરિયાના જંગલનું નિકંદન :કચ્છમાં ચેરિયાના વિસ્તારનું નિકંદન દિવસેને દિવસે વધતું જાય છે, જે કચ્છના ખારાઈ ઊંટો માટે ચિંતાજનક બાબત છે. કચ્છના પશુપાલકો માટે મોટાપાયે ઊંટોનું ચરિયાણ દિવસેને દિવસે વિકટ થતું જાય છે. કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા સરકાર સામે નિકંદન અટકાવવા તેમજ વધુ ચેરિયા વાવવા રજૂઆત કરવામાં આવી છે. સાથે જ કચ્છમાં પશુ યુનિવર્સિટી પણ હોવી જોઈએ તેવી માલધારીઓ માંગ કરી રહ્યા છે.

કચ્છમાં ઊંટનું સંવર્ધન :વર્ષ 2017માં કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન સહજીવન અને સરહદ ડેરી અને અમૂલના માધ્યમથી કચ્છમાં ઊંટડીનું દૂધ ચાલુ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં 200 લીટરનું કલેક્શન થતું, તે હવે કુલ પાંચ કલેક્શન સેન્ટર પર દરરોજનું 5,000 લિટર કલેક્શન થાય છે. ઊંટ માલધારીઓની આજીવિકા ખૂબ જ મજબૂત થઈ છે. ઊંટ પશુપાલન વ્યવસાયમાં હવે યુવા માલધારી વર્ગ પણ જોડાઈ ગયો છે અને કચ્છી ઊંટોની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

તરવાની કુદરતી ક્ષમતા (ETV Bharat Reporter)

ઊંટ ઉછેરકોનો વિકાસ :વર્ષ 2013માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંટના દૂધ અને ઊંટ સંવર્ધકોના જીવન ઉત્થાન પર કામ કરવાનું સૂચન કર્યું હતું. ત્યારથી સરહદ ડેરીએ ઊંટના દૂધ પર કામ કરવાનું શરૂ અને વર્ષ 2017માં ઊંટડીના દૂધનું સંગ્રહ કરવાની શરૂઆત કરી હતી. વર્ષ 2019માં ભારતનો પ્રથમ ઊંટ મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ કચ્છના લાખોંદ ખાતે શરૂ કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં ઊંટડીના દૂધના ભાવ પ્રતિ લિટરે 20 રૂપિયા હતા, જેનો ભાવ હવે 50 રૂપિયા જેટલો મળી રહ્યો છે. સરહદ ડેરી આજની તારીખે દરરોજનું ઊંટ માલિકોને 2.5 લાખ રૂપિયાનું ચુકવણું કરે છે. એટલે કે માસિક 75 લાખ અને વાર્ષિક 9 કરોડ રૂપિયાનું ચુકવણું ઊંટ ઊછેરક માલધારીઓને કરવામાં આવે છે.

અદાણી ગ્રુપનો અમૂલ્ય સહયોગ :ઉલ્લેખનીય છે કે, દસેક વર્ષ પહેલાં મુન્દ્રા અદાણી સેઝમાં આડેધડ ચેરિયા કાપવાના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે કન્ટેમ્પટ ઓફ કોર્ટની સુનાવણી દરમિયાન અદાણી ગ્રૂપ દ્વારા કરવામાં આવેલી આ હરકતને મામલે કચ્છના કલેકટર, પશ્ચિમ કચ્છ એસ.પી. તેમજ સેઝના કમિશનરને પણ નોટિસ ફટકારી હતી. હાલમાં અદાણી ગ્રુપના સૌરભ શાહે જણાવ્યું હતું કે, અદાણી ગ્રુપ સતત માલધારી સંગઠન અને પશુપાલકો સાથે છે. જ્યારે પણ માલધારીઓ દ્વારા અદાણી ગ્રુપ પાસે સહયોગ માંગવામાં આવ્યો, ત્યારે અદાણી ગ્રુપ દ્વારા સાથ સહકાર આપવામાં આવ્યો છે. અદાણી ગ્રૂપ દ્વારા પણ હજારો હેકટરની અંદર ચેરિયાનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. જમીનની મજબૂતાઈ વધારવા તેમજ વાવાઝોડા જેવા કપરા સમયમાં ચેરિયા ખૂબ ઉપયોગી થાય છે. આગામી સમયમાં પણ અદાણી ગ્રુપ દ્વારા મોટી માત્રામાં ચેરિયાના વૃક્ષો વાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

  1. વિશ્વ ઊંટ દિવસ 2024: "રણના જહાજ' તરીકે ઓળખાતા ઊંટનું રજવાડાના સમયથી જ ખૂબ મહત્વ
  2. Kharai Camel : વિશ્વમાં માત્ર કચ્છમાં જોવા મળતા ખારાઈ ઊંટની શું છે વિશેષતા જાણો વિશેષ અહેવાલમાં...

ABOUT THE AUTHOR

...view details