અમરેલી :શિયાળા દરમિયાન રવિ પાક તરીકે ઘઉંનું વાવેતર સૌથી વધારે અમરેલી જિલ્લામાં કરવામાં આવે છે. ઘઉંના વાવેતરમાં મહત્વનો ભાગ દવા, ખાતર અને બિયારણ હોય છે. ઘઉંનું ઉત્પાદન વધુ મેળવવા માટે યોગ્ય દવા, ખાતર અને બિયારણ પસંદ કરવું ખૂબ જ જરૂરી છે. ઘઉંનો સારો પાક કેવી રીતે મેળવી શકાય તે જાણવા ખેડૂત મિત્રો વાંચો આ અહેવાલ
ઘઉંના વાવેતરનો યોગ્ય સમય :ખેતીવાડી અધિકારી ભાવેશભાઈ પીપળીયાએ જણાવ્યું કે, અમરેલી જિલ્લામાં સૌથી વધારે ઘઉંનું વાવેતર કરવામાં આવે છે. ઘઉંના વાવેતરનો યોગ્ય સમય 15 નવેમ્બર છે, પરંતુ વાતાવરણને લઈને આ વાવેતર ખૂબ જ મહત્વનું છે. કારણ કે વાતાવરણમાં ગરમ હોય તો ઘઉંનું વાવેતર કરવું થોડું મુશ્કેલ પડે છે અને ઉત્પાદનમાં આખરે નુકસાની પણ થતી હોય છે. ઘઉનું ઉત્પાદન તડકો અને ગરમી પર નિર્ભર કરે છે. તડકાના સમયે જો ઘઉંનું વાવેતર કરવામાં આવે તો ઉત્પાદન મળતું નથી.
વાવેતર માટે યોગ્ય બિયારણ :ઘઉંના વાવેતર માટે મહત્વનો ભાગ બિયારણ છે. બિયારણમાં અલગ અલગ પ્રકારના બિયારણ જોવા મળે છે. પરંતુ વહેલા વાવેતર માટે સૌથી મહત્વની વેરાઈટી એટલે લોકવન વેરાઈટી છે. લોકવન ઘઉંની વેરાઈટી એવી છે જે વહેલા વાવે તો પણ ચાલે અને મોડા વાવેતર કરે તો પણ ચાલે છે. સમયસર વાવેતર માટે 451 નામની ઘઉંની વેરાયટી ખૂબ મહત્વની છે, તેમજ 366 નંબરની વેરાઈટી અને ટુકડી 496 વેરાયટી વાવેતર કરવું જરૂરી છે.