સુરત:ત્રણ દિવસ પહેલા તક્ષશિલા આર્કેટ અગ્નિકાંડને પાંચ વર્ષ વીતી ગયા છે. તેના એક દિવસ પછી જ ગુજરાતના રાજકોટમાં આવી જ અગ્રિકાંડની ઘટના બને છે. જેને લઇ તક્ષશિલા અગ્નિકાંડમાં મૃત્યુ પામનાર વિદ્યાર્થીઓના વાલીઓ એક જ વાત કરી રહ્યા છે. તેઓ સરકાર પર પ્રહાર કરતા કહે છે કે, ન્યાય અપાવવાની મોટી મોટી વાતો થવા છતા પણ આવી ઘટના એક બાદ એક બની રહી છે. દર વર્ષે આ વિસ્તારના માતા-પિતા અને નાગરિકો મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે તક્ષશિલા આર્કેડ ખાતે ભેગા થાય છે. તક્ષશિલા આર્કેટ અગ્નિકાંડમાં પોતાના બાળકોને બચાવવા માટે આજીજી કરનાર વાલીઓ આજે પણ નિ:સહાય નજરે આવી રહ્યા હતા. રાજકોટની ઘટનામાં મૃત્યુ પામનાર બાળકો અને લોકો અંગે સાંભળી તેઓને તક્ષશિલા અગ્નિકાંડ આંખ સામે આવી ગયો.
ન્યાય પરથી ભરોસો ઉઠી ગયો છે: દીકરી સારી પેન્ટિંગ બનાવતી હતી ઘરમાં અનેક પેઇન્ટિંગ તેણેે બનાવીને રાખી હતી. દીકરીની કલાથી પિતા ગૌરાંનવીત થતા હતા. તે જ દિકરી ગ્રીષ્મા તક્ષશિલા અગ્નિકાંડમાં મૃત્યુ પામી હતી. તેમના પિતા આજે પણ પોતાની દીકરીને ન્યાય અપાવવા માટે કોર્ટ કચેરીમાં ચક્કરો મારી રહ્યા છે. જયસુખ ગજેરાએ જણાવ્યું હતું કે, તક્ષશિલાના પીડિત પરિવારને હજુ સુધી ન્યાય મળ્યો નથી. આ ઘટના બાદ પણ અનેક ઘટનાઓ બની છે. જેમાં માસુમો મૃત્યુ પામ્યા છે. જેવી રીતે તક્ષશિલામાં ઘટના બની તેવી જ રીતે રાજકોટની ઘટના બની છે. મોટી વાતો કરવામાં આવી હતી કે કોઈને છોડવામાં આવશે નહીં. કહેવામાં આવ્યું હતું કે, કસૂરવારોને સજા કરવામાં આવશે. પાંચ વર્ષ પછી પણ કસૂરવારોને પકડવામાં આવ્યા નથી. ન્યાયતંત્ર પરથી ભરોસો ઉઠી ગયો છે. અમે આ કેસ ફાસ્ટ ટ્રેકમાં ચલાવવાની વાત કરી હતી. આ માટે કોર્ટમાં અરજી પણ કરાઈ હતી પરંતુ આ કેસ ફાસ્ટ ટ્રેકમાં ચાલ્યો નથી. જો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચાલ્યો હોત તો આવી ઘટના બીજીવાર બની ન હોત.