છોટાઉદેપુર: બોડેલી તાલુકાના વાલોઠી પાસે આવેલા બામરોલી ગામમાં તારીખ 29 ડિસેમ્બરની સાંજે 8:30 કલાકે હિમાંશુ સંજયભાઈ રાઠવા નામનો કિશોર ગુમ થયો હતો. હિમાંશુના માતા-પિતા રોજગારી અર્થે રાજસ્થાનના મંદિરમાં પુંજારી તરીકે કામ કરતાં હતાં અને દીકરો તેની દાદી સાથે રહેતો હતો. સાંજે 8 વાગ્યે હિમાંશુ નિત્યક્રમ મુજબ પાડોશીને ત્યાં ટીવી જોવા જતો હતો. ત્યારબાદ તેનો ક્યાંય પત્તો ન લગતા 29 ડિસેમ્બરના રોજ ગુમ થયાની ખબર પડતા હિમાંશુના માતા વતન દોડી આવ્યા હતાં. દીકરાની ભારે શોધખોળ કરતાં પણ ન મળતા 31 ડિસેમ્બરના રોજ બોડેલી પોલીસ સ્ટેશનમાં હિમાંશુની ગુમ થયાં અંગેની જાણ કરી હતી.
'દીકરો જોઈતો, હોય તો એક લાખ રૂપિયા આપવા પડશે': મળતી માહિતી અનુસાર જાણવા મળે છે કે, હિમાંશુના પિતા સહીત સગાજનો સાથે તેઓ શિવરાજપુર તરફ જતાં હતાં. ગુમ થનાર હિમાંશુના મોબાઈલ ફોન પરથી પિતાના ફોન પર ફોન આવ્યો હતો. એક તબ્બકે પિતાને દીકરો મળી ગયોનો હાશકારાનો અનુભવ થયો હતો, પરંતુ દીકરાના ફોન ઉપરથી ખંડણી ખોર જણાવ્યું કે, "દીકરો જોઈતો, હોય તો એક લાખ રૂપિયા આપવા પડશે."
હિમાંશુના પિતાએ ફોન આવ્યા બાદ તરત જ પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. પોલીસે હિમાંશુના ફોનનું લોકેશન ટ્રેક કર્યું અને બામરોલી ગામમાં હિમાંશુના ઘરની નજીકમાં આવેલા કુવામાં તપાસ કરતાં 13 વર્ષીય હિમાંશુનો મૃતદેહ તારથી બાંધેલી હાલતમાં મળી આવ્યો હતો.
કૂવામાં ફેંકી મોતને ઘાટ ઉતાર્યો: હિમાંશુના મૃતદેહનું વડોદરા ખાતે પેનલ પોર્સ્ટ મોર્ટમ કરવામાં આવ્યો હતો તે સાથે સાથે બોડેલી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ બામરોલી ગામના પાડોશી પ્રકાશ રાઠવાની ધનિષ્ઠ પૂછપરછ કરતાં, રૂપિયાની લાલચમાં કિશોરનું અપહરણ કરીને કૂવામાં બાંધીને ફેંકી મોતને ઘાટ ઉતાર્યો હોવાની કબૂલાત કરી હતી.
આ અંગે છોટાઉદેપુર જિલ્લાના નાયબ પોલીસ વડા ગૌરવ અગ્રવાલે પ્રેસ કોંફરેન્સ કરી માહિતી આપી હતી કે, "મૃતક સગીરના પાડોશમાં રહેતા પ્રકાશભાઈ રાઠવા નામનો યુવક બેરોજગાર હતો. જેથી તેણે 13 વર્ષના તરુણનું અપહરણ કરી 1 લાખની ખંડણી માંગવાનો મનોમન પ્લાન બનાવ્યો. ત્યારબાદ હિમાંશુનું અપહરણ કરી ખંડણી માંગી હતી, પરતું સગીરે તેણે ઓળખી લીધો છે અને બધાને કહી દેશે તેના બીકથી આરોપીએ સગીરના હાથ બાંધી કુવામાં ધક્કો મારી હત્યા કરી હતી."
વધુમાં માહિતી આપતા પોલીસ વડા ગૌરવ અગ્રવાલે જણાવ્યું કે, "પોલીસે કુવાની ધનિષ્ઠ તપાસ હાથ ધરી હતી. ખંડણી માટે મૃતકના મોબાઈલનો ઉપયોગ કર્યો હતો એ મોબાઈલની શોધખોળ કરી હતી. પ્રકાશભાઈ રાઠવા નામના યુવકની પૂછપરશ કરતાં 13 વર્ષોય સગીરની હત્યા થઇ હોવાનું બહાર આવ્યું છે."
આ પણ વાંચો: