અમદાવાદ: રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકર અંગે એક ટિપ્પણી કરવામાં આવી હતી, જેના પડઘા હજુ સુધી દેશના વિવિધ ખૂણામાં પડી રહ્યા છે અને તેનો વિરોધ થઈ રહ્યો છે. આજરોજ વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની અધ્યક્ષતામાં મોટી સંખ્યામાં આંબેડકર પ્રેમીઓ દ્વારા વિરોધ નોંધાવવા માટે એક વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
બાઈક રેલીનું આયોજન: તારીખ 5 જાન્યુઆરી 2025 રવિવારના સવારે 12:00 વાગ્યે અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં જયંતિ વકીલની ચાલીથી સારંગપુર વિસ્તારમાં આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સાથે મોટી સંખ્યામાં આંબેડકર પ્રેમીઓ જોડાયા હતા. રેલીનો ઉદ્દેશ્ય રાજ્ય સભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આપવામાં આવેલ નિવેદન અંગે પોતાનો વિરોધ નોંધાવવાનો હતો.
પ્લેકાર્ડ અને ઝંડાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા: રેલી દરમિયાન વિવિધ પ્લેકાર્ડ અને ઝંડાઓ પ્રદર્શનકારીઓ દ્વારા પ્રદર્શિત કરવામાં આવી રહ્યા હતા. આ રેલીને 'સ્વભિમાન રેલી' નામ આવ્યું છે. સાથે સાથે બેનરમાં વિચારો પણ લખવામાં આવ્યા છે કે "આંબેડકર ફેશન નહીં, મનુવાદી વિચારોને સળગાવવાની આગ છે".
દલિત, આદિવાસી, ઓબીસી સમાજ ખૂબ જ આક્રોશિત અને આંદોલિત છે: આ બાબતે પોતાની પ્રતિક્રિયા આપતા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા વાત કરવામાં આવી હતી કે, "આપ સૌ જાણો છો, દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રાજ્યસભામાં થોડા દિવસો પૂર્વે બાબાસાહેબ આંબેડકરનું અપમાન કરતા એક ટિપ્પણી કરવામાં આવી હતી, આ ટિપ્પણીમાં એવા શબ્દોનો પ્રયોગ કર્યો હતો કે જેનાથી સમગ્ર ગુજરાત અને ભારતના પીડીતો શોષિતો, વંચિતો અને ખાસ કરીને દલિત, આદિવાસી, ઓબીસી સમાજ ખૂબ જ આક્રોશિત અને આંદોલિત થઈ છે."
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, "અમે ઘણા પ્રયત્નો કર્યા છતાં રેલી, ધારણા, આંદોલન માટેની પરમિશન નહોતી મળતી, ત્યારે આજે પરમિશન મળી છે. અમે અમદાવાદ શહેરના દલિત કર્મશિલી, આગેવાનો, આંબેડકરવાદીઓ મોટી રેલી સ્વરૂપે જયંતિ વકીલની ચાલીથી સારંગપુર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સુધી જઈને સરકાર સમક્ષ એક જ માંગણી કરવાના છીએ."
અમિત શાહે રાજીનામું આપી દેવું જોઈએ: તેમણે કહ્યું કે, "કે અમિત શાહે બાબાસાહેબ આંબેડકરનું જે અપમાન કર્યું છે તે બદલ માફી માંગવી જોઈએ અને તેમનામાં થોડી પણ લાજ કે શરમ હોય તો ગૃહમંત્રીના પદેથી રાજીનામું આપી દેવું જોઈએ."
ખોખરાથી સારંગપુર સુધી બાઇક રેલી: રેલીના રૂટની વાત કરવામાં જયંતિ વકીલની ચાલીથી ખોખરાથી ગીતામંદિર ત્યાંથી બહેરામપુરા થઈને દાણીલીમડા અને સારંગપુર બાબાસાહેબની પ્રતિમા સુધી વિશાળ રેલી બાઇક રેલી નીકળવામાં આવી હતી.
આ પણ વાંચો: