ભાવનગર :ઉનાળાની પૂર્ણાહુતિ અને ચોમાસાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ભાવનગર જિલ્લાના વિવિધ તાલુકામાં છેલ્લા અઠવાડિયામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જોકે કેટલાક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ ન થતા ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વાવણી થવા પામી નથી. આગામી દિવસોમાં સાર્વત્રિક વાવણી થવાના એંધાણ ખેતીવાડી વિભાગે દર્શાવ્યા છે.
ભાવનગરમાં સાર્વત્રિક વરસાદ ક્યારે, ખેતીવાડી વિભાગે કહ્યું... (ETV Bharat Reporter) ભાવનગર જિલ્લામાં ક્યાં થઈ વાવણી :મેઘરાજાની સવારી ભાવનગર જિલ્લાના વિવિધ તાલુકામાં ફરી રહી છે. જેમાં પાલીતાણા, જેસર, સિહોર અને ગારીયાધાર જેવા પંથકમાં છેલ્લા 10 દિવસમાં ધોધમાર વરસાદ વરસી ચૂક્યો છે. જોકે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ન હોવાને કારણે સાર્વત્રિક વાવણી થઈ નથી. જ્યાં સારો વરસાદ વરસ્યો છે ત્યાં ખેડૂતોએ વાવણીનો પ્રારંભ કરી દીધો છે. ભાવનગરના ખેતીવાડી અધિકારી જેવી ધાનાણીએ જણાવ્યું કે, જિલ્લામાં વરસતા વરસાદને પગલે ગારીયાધાર, જેસર અને પાલીતાણા જેવા તાલુકામાં ખેડૂતોએ વાવણીનો પ્રારંભ કર્યો છે.
કુલ વાવેતર અને વરસાદ :ભાવનગર જિલ્લામાં કુલ 4,50,000 હેક્ટર જમીન ઉપર વાવેતર થતું હોય છે, ત્યારે ભાવનગર જિલ્લામાં ખરીફ પાક લેવા માટે ખેડૂતો વાવેતર કરતા હોય છે. ભાવનગર જિલ્લાના દરેક તાલુકાઓમાં મળીને 4.20 લાખ હેકટરની આસપાસ હંમેશા વાવેતર થાય છે. જેમાં પ્રથમ કપાસ, મગફળી, ડુંગળી ત્યારબાદ અન્ય ધાન્યનું વાવેતર કરવામાં આવે છે. ત્યારે ચાલુ વર્ષે છૂટાછવાયા વરસાદને પગલે ખેતીવાડી અધિકારી જે વી ધાનાણીએ જણાવ્યું હતું કે હાલમાં થયેલા પાલીતાણા, ગારીયાધાર, જેસર પંથકમાં વરસાદને પગલે સમગ્ર જિલ્લામાં કુલ હાલ 4200 હેક્ટરમાં વાવેતર થયું છે. પરંતુ સાર્વત્રિક વાવેતર હજુ થયું નથી.
સાર્વત્રિક વરસાદના એંધાણ :ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા દસ દિવસથી વાદળછાયું વાતાવરણ થઈ રહ્યું છે. ત્યારે જિલ્લામાં ગારીયાધાર, ઉમરાળા, વલભીપુર,સિહોર, પાલીતાણા અને જેસર જેવા પંથકમાં મેઘરાજાની સવારી નીકળી ચૂકી છે. પરંતુ મેઘરાજાની સાર્વત્રિક મહેર હજી સુધી થઈ નથી. ત્યારે ખેતીવાડી અધિકારી જેવી ધાનાણીએ જણાવ્યું હતું કે, હવામાન વિભાગ અનુસાર ભાવનગર જિલ્લામાં આગામી એક અઠવાડિયા બાદ સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. એ વરસાદમાં જ જિલ્લામાં સાર્વત્રિક વાવણી થવાના એંધાણ છે.
- ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી, પણ ભાવનગર શહેર કોરું કટ - Monsoon 2024
- ચોમાસાનો પ્રારંભ થતાં જ છત્રી અને રેઇનકોટના ભાવમાં વધારો, ચાલો જાણીએ શું છે ભાવ અને લોકોના મત...