કચ્છ: બે વર્ષ પહેલા માધાપરમાં માસુમ બાળકીથી તેલ ઢોળાઈ જવાને લઈને તેની માતાએ ગળું દબાવી હાથ અને તાવીતાથી માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સમગ્ર મામલાનો વિડીયો વાયરલ થતાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ હતી જેમાં તપાસના અંતે વિડીયો બે વર્ષ પૂર્વેનો હોવાનું સામે આવ્યું હતું. વિડીયો વાયરલ થતા છૂટાછેડા લીધેલી પત્ની વિરુદ્ધ પતિએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પોતાની સગી દીકરીને ક્રૂરતા પૂર્વક માર મારતો 2 વર્ષ જૂનો વિડિયો થયો વાયરલ (Etv Bharat Gujarat) માતાએ ગુસ્સે થઈ બાળકીનું ગળુ દબાવી હાથ તેમજ તાવીતાથી માર માર્યો: સોશિયલ મીડિયામાં બાળકીને ઢોર માર મારતી માતાનો વિડીયો વાયરલ થતા સમગ્ર કચ્છમાં ચર્ચા થવા લાગી હતી. આ અંગે માધાપર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી રાહુલ મહેશ્વરીએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, બે વર્ષ અગાઉ માધાપરના આંબેડકર નગરમાં ફરિયાદી અને આરોપી પ્રિયંકા સાથે રહેતા હતા. તેમની નવ વર્ષની બાળકી સોમ્યાથી તેલ ઢોળાતા બાળકીની માતા ગુસ્સે થઈ હતી અને ગળુ દબાવી હાથ તેમજ તાવીતાથી માર માર્યો હતો.
બાળકનું ભવિષ્ય ના બગડે તે માટે મોડેથી ફરિયાદ નોંધાવી: ફરિયાદીનું ઘર તૂટે નહીં તેમજ બાળકનું ભવિષ્ય ના બગડે તે માટે ફરિયાદીએ મોડેથી ફરિયાદ નોંધાવી છે. સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થતાં ફરિયાદ નોંધાવી છે. જોકે ફરિયાદીએ 10 દિવસ અગાઉ નોટરી લખાણ મારફતે પ્રિયંકાને છૂટાછેડા આપી દીધા છે તેવો ઉલ્લેખ પણ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
2013માં કર્યા હતા પ્રેમલગ્ન: ફરિયાદી અને આરોપીએ વર્ષ 2013માં પ્રેમલગ્ન કર્યા હતા અને તેમના લગ્ન જીવન દરમિયાન એક 9 વર્ષની દીકરી અને એક 4 વર્ષનો દીકરો છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે, આરોપી માથાભારે છે અને વારંવાર તેના સાથે ઝઘડા કરતી હતી અને માર પણ મારતી હતી અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપતી હતી. તેની સામે પ્રૂફ રાખવા માટે ફરિયાદીએ જ આ વિડીયો ઊતારેલો હતો. પરંતુ બાળકનું ભવિષ્ય ના બગડે તે માટે કોઈ પણ ફરિયાદ કે વિડિયો બહાર પાડ્યો ન હતો.
પોલીસે વધુ તપાસ હાથ ધરી: હાલમાં આરોપી પ્રિયંકા જયપુર રાજસ્થાનમાં રહે છે. માધાપર પોલીસ સ્ટેશને આરોપી પ્રિયંકા વિરુદ્ધ આઇપીસી 323 તેમજ કિશોર ન્યાય અધિનિયમ 2015 કલમ 75 મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે. સમગ્ર મામલે માધાપર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ નીરવ ડામોરે વધુ તપાસ હાથ ધરી છે.
- હિન્દુ નેતાઓની હત્યાના ષડયંત્રમાં સામેલ બિહારના શખ્સને સુરત લવાયો, ઘણા ખુલાસા થવાની શક્યતા - Surat Maulvi
- વાત નહીં, વિવાદ નહીં, વિકાસ સિવાય બીજી કોઈ વાત નહીં-દિલીપ સંઘાણી - IFFCO Chairman Dilip Sanghani