બનાસકાંઠા:ડાભી ગામના ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરીને તંત્રની આંખ ઉઘાડવાનો પ્રયાસ કર્યો છે. ધોરણ 9થી 12માં માત્ર બે જ કાયમી શિક્ષક હોવાના કારણે વિદ્યાર્થીઓનું ભણતર અંધકારમય બની રહ્યું હોય તેવો ગામલોકોનો આરોપ છે. ગઈકાલે સોમવારે ડાભી ગામના ગ્રામજનોએ શાળા બંધ કરીનેે બાળકોને પણ શાળામાંથી લઈ ગયા હતા.
વાલીઓની રજૂઆત: વાલીઓની રજૂઆત છે કે સરકારી માધ્યમિક શાળા છે પરંતુ પૂરતું મહેકમ નથી અને એ પણ અનિયમિત આવે છે. વારંવાર રજૂઆત કરી છે પરંતુ મહેકમ ન ફાળવાતા આખરે વાલીઓએ આ શાળાને તાળા બંધી કરવાની ફરજ પડી છે. જોકે આ મામલે શિક્ષણ અધિકારી અને શિક્ષણ મંત્રીએ કહ્યું છે કે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે અને ટૂંક સમયમાં આ શાળા માટે મહેકમ ફાળવાશે.
ડાભી ગામના ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરીને તંત્રની આંખ ઉઘાડવાનો પ્રયાસ કર્યો (Etv Bharat Gujarat) બે દિવસથી શિક્ષણકાર્ય બંધ:રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ગ્રામીણ અને શહેરી વિસ્તારના બાળકો સારી રીતે અભ્યાસ કરી શકે તે માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં શાળાઓ તો છે, પરંતુ શિક્ષકો ન હોવાના કારણે વિદ્યાર્થીઓ સારું શિક્ષણ મેળવી શકતા નથી, ત્યારે ડાભી ખાતે આવેલી સરકારી માધ્યમિક શાળામાં શિક્ષકના અભાવે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે, અને છેલ્લાં બે દિવસથી આ શાળાને તાળાબંધી કરવામાં આવી હતી.
તાળાબંધીની ઘટનાને લઈને શિક્ષણઅધિકારીએ આપ્યો જવાબ (Etv Bharat Gujarat) વિફરેલા ગામલોકોએ શાળાને માર્યા તાળા: આ બાબતે પાલનપુર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં છેલ્લા બે માસથી ડાભી ગામના ગ્રામજનો રજૂઆત કરતા હતા, તેમની માગણી હતી કે આ સરકારી માધ્યમિક શાળામાં મહેકમ નથી, પરંતુ શિક્ષણ અધિકારી દ્વારા કોઈ યોગ્ય પ્રત્યુતર ન મળતા આખરે ગઈકાલે ડાભી ગામના ગ્રામજનોએ ડાભી ગામની સરકારી માધ્યમિક શાળાને તાળાબંધી કરી દીધી હતી અને પોતાના બાળકોનું ભણતર બંધ કરાવી દીધું હતું.
આજે સતત બીજા દિવસે પણ આ શાળા બંધ રહી હતી અને આમ બીજા દિવસે પણ વિદ્યાર્થીઓનો અભ્યાસ ખારવાયો હતો,એટલે કે શાળામાં મહેકમ નથી. મહેકમની વારંવાર રજૂઆત છે પરંતુ આ રજૂઆત ન સાંભળવામાં આવતા આખરે બાળકોનો અભ્યાસ બગાડીને પણ વાલીઓ શાળાને તાળાબંધી કરવા મજબૂર બન્યા હતા.
ડાભી ગામના ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી હોવાની ઘટનાને લઈને શિક્ષણમંત્રીની પ્રતિક્રિયા (Etv Bharat Gujarat) ઘટનાને લઈને હરકતમાં આવ્યું તંત્ર: છેલ્લા બે દિવસથી વિદ્યાર્થીઓ અભ્યાસ નથી કરી રહ્યા, પરંતુ શિક્ષણ અધિકારી દ્વારા શાળામાં કોઈ હંગામી શિક્ષકની હજી સુધી કોઈ વ્યવસ્થા ન કરાતા અથવા તો કોઈ પ્રત્યુતર ન આપતા ગામ લોકોમાં રોષ વ્યાપી ગયો હતો અને ના છુટકે શાળાને તાળાબંધી કરીને તંત્રની આંખો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. જોકે અંબાજી આવેલા શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે, માધ્યમિક શાળાઓમાં ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. ટૂંક સમયમાં જ ભરતી પ્રક્રિયા થવાની છે અને ડાભી ગામની શાળામાં જે શિક્ષકોની ઘટ છે તે પણ જલ્દી પૂરી થઈ જશે તેવું આશ્વાસન આપ્યું હતું.
- પાણી ન મળતા ખેડૂતોમાં રોષ: રાધાનેસડા ગામના ખેડૂતોએ ઢોલ વગાડી વિરોધ દર્શાવ્યો
- બનાસકાંઠાઃ શાળાના બાળકને શિક્ષકે ઢોર માર માર્યાનો આક્ષેપ, શિક્ષક વિરુદ્ધ FIR