રાજકોટ: રાજકોટ-અમદાવાદ હાઈવે ઉપર આવેલા માલીયાસણ ગામ ખાતે મંગળવારના રોજ ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદથી રાજકોટ તરફ રોંગ સાઈડમાં આવી રહેલા ઉત્તર પ્રદેશ પાસિંગના ટ્રક ચાલકે સામેથી આવી રહેલી રીક્ષાને અડફેટે લીધી હતી. જેમાં 5 વ્યક્તિઓના સ્થળ પર જ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ખાસ છે કે, બે દિવસ પહેલા જ લીંબડી પાસે નેશનલ હાઈવે પર ડમ્પર અને ટેમ્પો ટ્રાવેલરની ટક્કર થઈ હતી, જેમાં 6 લોકોના કરુણ મોત નિપજ્યા હતા. ત્યારે બે દિવસમાં ફરી એકવાર અમદાવાદ-રાજકોટ હાઈવે પર અકસ્માત થયો છે.
રીક્ષા ચાલકને ઈજા, રીક્ષામાં સવાર 6નાં મોત
વિગતો મુજબ, રાજકોટ-અમદાવાદ હાઈવે ઉપર આવેલા માલીયાસણ ગામ ખાતે રોંગ સાઈડમાં આવી રહેલા ટ્રકે રીક્ષાને અડફેટે લેતા રીક્ષા ચાલક સહિત સાત જેટલા વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. જે પૈકી ઘટના સ્થળ ઉપર 5 જેટલા વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. તેમજ એક વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવતા સારવાર મળે તે પૂર્વે જ તેનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર બનાવવામાં રીક્ષા ચાલકનો હાલ બચાવ થયો હોવાનું સામે આવ્યું છે. રીક્ષા ચાલકને પણ ઈજા પહોંચી હોવાના કારણે 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર
એસીપી રાજેશ બારીયાના જણાવ્યા અનુસાર, બનાવ સંદર્ભે FSLની પણ મદદ લેવામાં આવશે. તેમજ ટ્રકચાલક વિરુદ્ધ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવાની તજવીજ હાલ હાથ ધરવામાં આવી છે. બનાવ બન્યા બાદ ટ્રક ચાલક ટ્રક છોડીને ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. ટ્રકના નંબરના આધારે તેના માલિક તેમજ ડ્રાઇવર સહિતનાની માહિતી મેળવવામાં આવશે. રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર અકસ્માતની ઘટના સામે આવતા રાજકોટથી અમદાવાદ તરફ જતા રસ્તે માલીયાસણ ગામ નજીક 5થી 6 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.

અકસ્માતને પગલે અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા
બનાવને પગલે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, ડીસીપી ટ્રાફિક તેમજ ડીસીપી ઝોન 1 સહિતના ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મરણ જનારમાં સાત વર્ષની એક બાળકી પણ હોવાનું સામે આવ્યું છે. મળતી વિગત અનુસાર મૃતકો મોટાભાગના નવાગામ આણંદ પર વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
મૃતકોના નામ
27 વર્ષીય યુવરાજ રાજુભાઈ નકુમ
35 વર્ષીય ભૂમિબેન રાજુભાઈ નકુમ
50 વર્ષીય શારદાબેન જીણાભાઈ નકુમ
29 વર્ષીય શીતલબેન યુવરાજભાઈ સોલંકી
25 વર્ષીય નંદનીબેન સાગરભાઇ સોલંકી
1 વર્ષીય વેદાંશી સાગર સોલંકી
ચોટીલા લગ્ન પ્રસંતે જતા નડ્યો અકસ્માત
વિગતોનું મૃતકો તમામ કૌટુંબિક વ્યક્તિઓ હોવાનું સામે આવ્યું છે. નકુમ પરિવારના યુવરાજ, ભૂમિ તેમજ આનંદ સહિતના વ્યક્તિઓ ચોટીલા લગ્ન પ્રસંગ અર્થે જવા માટે જામનગરથી નીકળ્યા હતા. મૃતકોમાં યુવરાજ, ભૂમિ જામનગરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તેમજ શારદાબેન નકુમ, શીતલબેન યુવરાજભાઈ સોલંકી, નંદની બેન સાગરભાઇ સોલંકી, તેમજ વેદાંશી સાગરભાઇ સોલંકી સહિતના વ્યક્તિઓ આણંદપર નવાગામ ખાતે રહેતા હોવાનું સામે આવ્યું છે. મૃતક નંદની અને વેદાંશી માતા દીકરી થતા હોવાનું સામે આવ્યું છે. બનાવ સંદર્ભે પતિને અકસ્માતમાં પોતાની પુત્રી અને પત્ની મરણ ગયા હોવાની જાણ થતા તેઓ બેભાન થઈ ગયા હતા. જેથી તેમને પણ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: