રાજકોટ:રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ એન્જિનિયર અલ્પા મિત્રાનું ગત સપ્તાહે રાજીનામું મંજૂર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગઈકાલે 05 ઓગસ્ટ સોમવારના રોજ તેમના ઘરે અચાનક મહાનગરપાલિકાની વિજીલન્સ ટીમ પહોંચી હતી અને તેમના ઘરેથી મોટા પ્રમાણમાં ફાઈલ સહિતના કાગળો અને સાહિત્ય કબજે કરવામાં આવ્યું હતું.
પૂર્વ એન્જિનિયરની પ્રતિક્રિયા: આ અંગે વિજલન્સ ટીમના અધિકારી ભૂમિબેન પરમાર કેમેરા સામે કંઈ પણ બોલવા તૈયાર થયાં ન હતા. પરંતુ કલાકો સુધી અલ્પા મિત્રાની ઘરેથી કબજે કરવામાં આવેલા ફાઇલોની કાર્યવાહી કરવામાં આવી હતી. કઈ ફાઈલો કબજે કરવામાં આવી છે તે અંગે પણ અધિકારી દ્વારા કંઈ પણ કહેવામાં આવ્યું ન હતું. ત્યારબાદ તમામ સાહિત્ય લઈ વિજીલન્સ ટીમ કોર્પોરેશન ખાતે પાછી પહોંચી હતી. આ દરોડા અંગે જેમની ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા તે મનપાના પૂર્વ એન્જિનિયર અલ્પા મિત્રાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે હું મારા પારિવારિક કામથી બહારગામ હતી સાંજે જ્યારે ઘરે પરત ફરી ત્યારે મનપાના અધિકારી ભૂમિબેન પરમાર અને હું બંને સાથે જ મારા ઘરમાં એન્ટર થયા અને તેમણે મારા ઘરેથી આ ફાઈલો કબજે કરી આ ફાઈલો ક્યાંથી આવી એ મને ખબર નથી અને હું સીસીટીવી ચેક કરીશ કે આ ફાઇલ કોણ મૂકી ગયું ?