અમદાવાદ: શિક્ષકની નોકરીનું સપનું જોતા યુવાઓ માટે મોટી ખબર સામે આવી છે. રાજ્યમાં આજથી 13852 વિદ્યા સહાયકોની ખાલી જગ્યા પર ભરતી પ્રક્રિયા શરૂ થઈ છે. રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતી દ્વારા વિદ્યાસહાયકોની ભરતી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ઉમેદવારો આગામી 16 નવેમ્બરે સાંજે 5 વાગ્યા સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. જોકે ફોર્મ સ્વીકાર કેન્દ્ર પર 19 નવેમ્બરે સાંજે 5 વાગ્યા સુધી ફોર્મ આપી શકશે. બિન અમાનત કેટેગરીના ઉમેદવારોની અરજી ફી 200 રૂપિયા રહેશે, જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારોની ફી 100 રૂપિયા રહેશે.
કેટલી જગ્યાઓ પર થઈ રહી છે ભરતી?
જિલ્લા શિક્ષણ સમિતી અને નગર શિક્ષણ સમિતીની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1થી 5 તથા ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે વિદ્યાસહાયકોની આ ભરતી પ્રક્રિયા કરવામાં આવી રહી છે. જેમાં ધોરણ 1થી 5માં ગુજરાતી માધ્યમમાં 5000 જગ્યાઓ, ધોરણ 6થી 8માં ગુજરાતી માધ્યમમાં 7000 જગ્યાઓ તથા ધોરણ 1થી 8 અન્ય માધ્યમમાં 1852 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.