બનાસકાંઠા:વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ,કોંગ્રેસ અને અપક્ષ સહિત 10 ઉમેદવારો મેદાનમાં હતાં. જેમાં ભાજપના સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષના ઉમેદવાર માવજી પટેલ વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો. જેમાં છેલ્લી ઘડીએ બાજી પલટાતા ભાજપના સ્વરૂપજી ઠાકોરે જીત હાંસલ કરી છે.
ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે 2442 મતથી વિજય હાંસલ કર્યો છે. તેમની જીત સાથે જ ભાજપ છાવણી અને કાર્યકર્તાઓમાં માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસ છાવણીમાં સન્નાટો પ્રસરી ગયો છે.
વાવ બેઠક પર ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે જીત હાંસલ કરી (Etv Bharat Gujarat) ભાજપના સ્વરૂપજીનો વિજય: વાવ બેઠક પર ભાજપના ઉમેદવાર સ્વરૂપજીને જીતાડવા માટે ખુદ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ અને હર્ષ સંઘવી સહિતના ટોચના નેતાઓ મેદાને ઉતર્યા હતાં. ગત ચૂંટણીમાં સ્વરુપજી ઠાકોર ગેનીબેન ઠાકોર સામે ચૂંટણીમાં હાર્યા હતા. સ્વરૂપજી ઠાકોર 2022માં ગેનીબેન ઠાકોર સામે વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. જેમાંસ્વરૂપજી ઠાકોરની વિધાનસભા ચૂંટણીમાં હાર થઈ હતી. સ્વરૂપજી ઠાકોર ગેનીબેન સામે 15, 601 મતથી હાર્યા હતા. આ ઉપરાંત 2019માં બનાસકાંઠામાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. વિધાનસભા 2022ની ચૂંટણી પરિણામમાં કૉંગ્રસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને 1,02,513 મત મળ્યા હતા, જ્યારે ભાજપના સ્વરૂપજી ઠાકોરને 86,912 મત મળ્યા હતા.
વાવ બેઠક પર ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે જીત હાંસલ કરી (Etv Bharat Gujarat) માવજીભાઈનું બેટ ન ફાવ્યું:વાવ વિધાનસભા પેટા ચૂંટણી કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત, ભાજપના સ્વરૂપજી ઠાકોર અને અપક્ષમાંથી મજબૂત ચહેરા તરીકે ઓળખાતા માવજીભાઈ પટેલ વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો. માવજીભાઈ પટેલ 1990માં ભારતીય જનતા દળમાં ધારાસભ્ય રહી ચૂક્યા છે, અને ચૌધરી પટેલ સમાજમાં મોટું પ્રભુત્વ ધરાવે છે. ભાજપે માવજીભાઈ પટેલને ટિકિટ ન આપતા તેઓએ બળવો કરીને અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી અને આ ચૂંટણીમાં ઝંઝાવતી પ્રચાર કર્યો હતો.
મહત્વપૂર્ણ છે કે, વાવ બેઠક પરથી ધારાસભ્ય રહેલા ગેનીબેન ઠાકોર લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પરથી ચૂંટણી લડીને જીતતા વાવ વિધાનસભા બેઠક ખાલી પડી હતી અને ગત 13 નવેમ્બરે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપ કોંગ્રેસ સહિત 10 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતાં.
વર્ષ 2022માં વાવ વિધાનસભાનું પરિણામ
વાવ વિધાનસભા બેઠકના વર્ષ 2022 ના પરિણામ જોઈએ તો આ ચૂંટણીમાં 6 ઉમેદવારો ઉભા રહ્યા હતા. જેમાં ગેનીબેન ઠાકોર, સ્વરૂપજી સરદારજી, અમીરમભાઇ આશલ, શાંતિભાઇ રાઠોડ, નયનાબેન પરમાર અને ભેમજીભાઇ પટેલ ચૂંટણી લડી હતી. જેમાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોરને 1,02,513 મત મળ્યા હતા. તથા ભારતીય જનતા પાર્ટીના સ્વરૂપજી સરદારજીને 86,912 મત મળ્યા હતા. જેમાં તેઓ 15,601 લીડથી આગળ રહ્યા હતા.