ગુજરાત

gujarat

ETV Bharat / state

સૂર્ય ઉર્જા અંગે જાગૃતતા લાવવા વિશ્વ સફરે નીકળેલા સ્વિત્ઝરલેન્ડના પ્રોફેસર વલસાડ પહોંચ્યા, વિદ્યાર્થીઓને આપી જાણકારી - SOLAR ENERGY ELECTRIC CAR

સ્વિત્ઝરલેન્ડથી પોતાની ઇલેક્ટ્રીક કારને સોલર ઉર્જા અને પેનલ સાથે કનેક્ટ કરી સમગ્ર વિશ્વ સફરે નીકળેલા યુનિવર્સિટીના પ્રોફેસર વલસાડ પહોંચ્યા હતા.

સ્વિત્ઝરલેન્ડના પ્રોફેસર રોજર બુસર વલસાડ પહોંચ્યા
સ્વિત્ઝરલેન્ડના પ્રોફેસર રોજર બુસર વલસાડ પહોંચ્યા (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 26, 2024, 8:35 PM IST

વલસાડ:સ્વિત્ઝરલેન્ડથી પોતાની ઇલેક્ટ્રીક કારને સોલર ઉર્જા અને પેનલ સાથે કનેક્ટ કરી સમગ્ર વિશ્વ સફરે નીકળેલા યુનિવર્સિટીના પ્રોફેસર વલસાડ પહોંચ્યા હતા. તેઓ સૂર્ય ઉર્જા અંગે લોકોમાં જાગૃતતા લાવવા માટે અને ગ્લોબલ વોર્મિંગ કઈ રીતે ઓછું કરી શકાય તે અંગેની જાણકારી માટે સમગ્ર વિશ્વની સફર કરી રહ્યા છે. આજે તેઓ વલસાડની અતુલ કલ્યાણી શાળા ખાતે પહોંચ્યા હતા અને ત્યાંના વિદ્યાર્થીઓને સૂર્ય ઉર્જા અંગેની જાણકારી આપી હતી.

કુદરતી ઊર્જાનો સ્ત્રોત એટલે સૂર્ય: સ્વિત્ઝરલેન્ડથી બટરફ્લાય કાર લઈને આવેલા પ્રોફેસર રોજર બુસરે જણાવ્યું કે, સૂર્ય એ કુદરતી ઊર્જાનો મહત્વનો સ્ત્રોત છે. તેની ઉર્જા ક્યારે પણ સમાપ્ત થઈ શકે તેમ નથી, જેથી આવનારા સમયમાં જ્યાં પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ કરી વાયુ પ્રદુષણ થઈ રહ્યું છે ત્યારે તેને ઘટાડવા માટે સૂર્ય ઊર્જાનો સોલર પેનલ દ્વારા ઉપયોગ થતી થઈ શકે તેમ છે. જેથી લોકોએ વિશ્વને વાયુ પ્રદુષણથી બચાવવા સૂર્ય ઊર્જાનો ઉપયોગ કરવો જોઈએ.

સૂર્ય ઉર્જા અંગે જાગૃતતા લાવવા વિશ્વ સફરે નીકળેલા સ્વિત્ઝરલેન્ડના પ્રોફેસર વલસાડ પહોંચ્યા (Etv Bharat Gujarat)

યુરોપ અને એશિયાના અનેક દેશોમાં ફર્યા:સ્વિત્ઝરલેન્ડથી નીકળેલા પ્રોફેસર તેમની બટરફ્લાય કાર લઈને યુરોપના અનેક દેશો અને તે બાદ એશિયા ખંડના અનેક દેશોમાં ફરી ચૂક્યા છે. હાલમાં તેઓ ભારતની મુલાકાતે છે. ભારતના અનેક શહેરોમાં અને મહત્વના શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીમાં તે ફરી રહ્યા છે અને ખાસ કરીને યુવાનોને સૂર્ય ઉર્જા અંગે જાગૃત કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, જળવાયુ પરિવર્તન રોકવા સૂર્ય ઉર્જા એક શ્રેષ્ટ વિકલ્પ છે.

હાલમાં જે રીતે ઓઝોનના સ્તરમાં ગાબડા પડી રહ્યા છે અને ઉત્તર ધ્રુવમાં બરફ પીગળી રહ્યા છે ત્યારે આગામી સમયમાં સૌથી નીચા વિસ્તારમાં આવેલા અનેક શહેરોમાં દરિયાના પાણી ફરી વળે તેવી શક્યતાઓ રહેલી છે. ત્યારે આ સમગ્ર બાબતને અને પ્રદૂષણને રોકવામાં નહીં આવે તો આગામી સમયમાં તેના માઠા પરિણામ મનુષ્ય જાતિ ભોગવશે, જેને રોકવા માટે સૂર્ય ઉર્જા એકમાત્ર વિકલ્પ બની શકે તેમ છે.

સૂર્ય ઉર્જા અંગે જાગૃતતા લાવવા વિશ્વ સફરે નીકળેલા સ્વિત્ઝરલેન્ડના પ્રોફેસર વલસાડ પહોંચ્યા (Etv Bharat Gujarat)

ભારતમાં સફર પ્રોફેસરે કોચીથી શરુ કરી હતી: તમને જણાવી દઈએ કે, પ્રોફેસર રોજર બુસરે તેમની સમગ્ર ભારતની સફર કોચીથી શરૂ કરી હતી, અને ભારતના વિવિધ શહેરોમાં ફરી શૈક્ષણિક સંસ્થાઓ યુનિવર્સિટીઓ તેમજ કેટલાક જાહેર સ્થળ ઉપર લોકોને સૂર્ય ઉર્જા માટે જાગૃત કરવા મહત્વના પ્રયત્નો કર્યા હતા. તેઓ છેલ્લા કેટલાક સમયથી પોતાનો દેશ છોડીને અન્ય દેશોમાં ફરી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમની આ કામગીરીને લોકોએ બિરદાવી હતી.

ભવિષ્યની પેઢી સૌર ઉર્જાનો ઉપયોગ કરે તે હેતુ: આવનારી ભવિષ્યની યુવા પેઢી સૂર્ય ઊર્જાનો વિવિધ રીતે ઉપયોગ કરે એમાં પછી એ પોતાની કાર હોય કે ઘરના ઈલેક્ટ્રીક ઉપકરણો એ તમામમાં સૂર્ય ઉર્જા ઉપયોગમાં લેવામાં આવે તો જળવાયુ પરિવર્તન રોકી શકાય તેમ છે. એવા ઉમદા હેતુથી પ્રોફેસર રોજર બુસર સમગ્ર વિશ્વના સફર પર નીકળ્યા છે.

સૂર્ય ઉર્જા અંગે જાગૃતતા લાવવા વિશ્વ સફરે નીકળેલા સ્વિત્ઝરલેન્ડના પ્રોફેસર વલસાડ પહોંચ્યા (Etv Bharat Gujarat)

વલસાડના અતુલ કલ્યાણી શાળા ખાતે તેઓ પહોંચ્યા:પ્રોફેસર રોજર બુસરે આજે વલસાડની અતુલ કલ્યાણી શાળાની મુલાકાત લીધી હતી. આ શાળામાં તેમને અભ્યાસ કરતા તમામ બાળકોને બટરફ્લાય કારની વિઝીટ કરાવી હતી અને સૂર્ય ઉર્જાનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તે અંગેની ઝીણવટ ભરી માહિતી પણ આપી હતી. ઉપરાંત જળવાયું પરિવર્તનની ગંભીર અસરો અંગે પણ વિદ્યાર્થીઓને જાણકારી આપી હતી, જેથી કરીને આગામી સમયમાં તેઓ વાયુ પ્રદુષણ જળ પ્રદૂષણ કરતા રોકી શકે.

ભારત બાદ તેઓ સાઉથ આફ્રિકા જશે:આ મુદ્દે પ્રોફેસર રોજર બુસરે જણાવ્યું કે, તેઓ સમગ્ર ભારતમાં ફરીને અંતે મુંબઈ શહેર ખાતે પહોંચશે અને ત્યારબાદ તેઓ સાઉથ આફ્રિકા ખાતે પોતાની બટરફ્લાય કાર લઈને પહોંચશે. અહીં પણ તેઓ સૂર્ય ઉર્જા અંગેની જાણકારી આપી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરશે.

સ્વિત્ઝરલેન્ડના પ્રોફેસર રોજર બુસર વલસાડ પહોંચ્યા (Etv Bharat Gujarat)

સૂર્ય પ્રકાશ ન હોય ત્યારે મુશ્કેલી સર્જાય છે: પ્રોફેસર રોજર બુસરે વાતચીત કરતા જણાવ્યું કે, અનેક શહેરોમાં જેવા કે બેંગલુરુ કે દિલ્હી જેવા શહેરોમાં જ્યાં સૂર્યપ્રકાશ ખૂબ ઓછો હોય એવી જગ્યા ઉપર સોલાર પેનલ ચાર્જ થઈ શકતી નથી અને બેટરીવાળી કાર ચાર્જ ન થતા આગળ વધી શકતી નથી, જેના કારણે મુશ્કેલીઓ થઈ શકે છે. ઉપરાંત ઘણી વખત સૂર્યના તડકાની રાહ જોવાનો સમય આવે છે.

આ પણ વાંચો:

  1. DRDOએ લાંબા અંતરની હાયપરસોનિક મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું, સંરક્ષણ મંત્રીએ અભિનંદન પાઠવ્યા
  2. ગ્રાહકોને મોજ...BSNL આપી રહી છે 90 દિવસની વેલિડિટી સાથે માત્ર રૂ. 201માં ઇન્ટરનેટ

ABOUT THE AUTHOR

...view details