ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં ગુમ થયેલ બાળકના મામલે મોટો ખુલાસો, "મામા" પર ગંભીર આરોપ - VALSAD NEWS

વલસાડ જિલ્લાના ભિલાડમાં લગ્ન સમારોહમાંથી 8 વર્ષીય બાળક ગુમ થયો હતો, જેમાં પોલીસે બે દિવસ તપાસ કર્યા બાદ બે ઇસમોની ધપકડ કરવામાં આવી છે.

વલસાડ પોલીસે ભીલાડમાં ગુમ થયેલ બાળકનો ભેદ ઉકેલ્યો
વલસાડ પોલીસે ભીલાડમાં ગુમ થયેલ બાળકનો ભેદ ઉકેલ્યો (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Dec 28, 2024, 8:24 AM IST

વલસાડ: વલસાડ જિલ્લાના ભિલાડ ખાતે લગ્ન સમારોહમાંથી ખાન પરિવારનો 8 વર્ષીય બાળક ગુમ થયો હતો. જેને વલસાડ પોલીસે 25મી ડિસેમ્બરે હેમખેમ શોધી કાઢ્યો હતો. આ ઘટનામાં બાળકના અપહરણ કર્તાઓની વલસાડ પોલીસે ધરપકડ કરી છે. બાળકનું અપહરણ બાળકના પિતરાઈ મામાએ જ મુંબઈના 2 ઈસમો સાથે મળી કર્યું હતું.

8 વર્ષીય બાળક લગ્ન પ્રસંગમાંથી ગુમ: મૂળ વાપીના અને હાલમાં જ એકાદ બે મહિનામાં સાઉદી અરેબિયાથી પરત આવેલા ખાન પરિવારનો 8 વર્ષીય બાળક લગ્ન પ્રસંગમાંથી ગુમ થયો હતો. જે ઘટનામાં બાળકના માતાપિતા પાસેથી ખંડણી લેવાના ઇરાદે બાળકના જ પિતરાઈ મામાએ પોતાના અન્ય 2 સાગરીતો સાથે મળી અપહરણ કર્યું હતું.

વલસાડ પોલીસે ભીલાડમાં ગુમ થયેલ બાળકનો ભેદ ઉકેલ્યો (Etv Bharat Gujarat)

પિતરાઈ મામાએ જ કર્યું બાળકનું અપહરણ:વલસાડ જિલ્લાના ભિલાડમાં આવેલા ગુલશનનગર વિસ્તારમાંથી 23મી ડિસેમ્બરે લગ્ન સમારોહમાં આવેલા ખાન પરિવારનો 8 વર્ષીય બાળક ગુમ થયો હતો. જેને વલસાડ પોલીસે 25મી ડિસેમ્બરે હેમખેમ શોધી કાઢ્યો હતો. આ ઘટનામાં પોલીસે બાળકના અપહરણ કર્તાઓની પણ ધરપકડ કરી છે. જેમાં બાળકના પિતરાઈ મામાએ જ મુંબઈના 2 ઈસમો સાથે મળી આ કાવતરું ઘડયું હતું. બાળકના માતાપિતા સાઉદી અરેબિયાથી હાલમાં જ આવ્યા હોય તેમની પાસેથી ખંડણી લેવાના ઇરાદે આ સમગ્ર ગુન્હો આચરવામાં આવ્યો હતો.

બે ઇસમોની ધરપકડ (Etv Bharat Gujarat)

આ અંગે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાએ વિગતો આપી જણાવ્યું હતુંકે, 'ગઇ તારીખ 23/12/2024 ના રોજ ભીલાડ પોલીસ સ્ટેશનના ગુલશનનગર વિસ્તારમાં લગ્ન પ્રસંગમાંથી રાત્રીના આશરે 20:15 થી 21:30 વાગ્યા દરમિયાન લગ્ન પ્રસંગમાંથી બાળક અફાફ આદિલખાન ગુમ થતા તેની અપહરણની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.'

પોલીસે તપાસમાં:જે બાદ વલસાડ પોલીસે અલગ અલગ ટીમ બનાવી અપહરણ બાળકની શોધખોળ શરુ કરી હતી. આ શોધખોળ દરમિયાન ભીલાડથી વાપી સુધીના 100 થી વધુ સીસીટીવી કેમેરા, આજુબાજુના 70 જેટલા મકાનો ચેક કર્યા હતાં. બનાવ સમયે લગ્નમાં હાજર સગા-સંબંધી તેમજ ગુનાહિત પ્રવુતી ધરાવતા ઇસમોને રાઉન્ડ અપ કરી તેઓની પુછપરછ કરવામાં આવી હતી.

બાળક અર્ધબેભાન અવસ્થામાં મળ્યો: આ તપાસ દરમિયાન તારીખ 25/12/2024 ના અપહરણ થયેલું બાળક ગેમ રમવા માટે પોતાની નાનીના મોબાઇલનો ઉપયોગ કરતો હતો. તે મોબાઇલ એક ભંગાર વિણવાવાળા ઇસમને ભીલાડથી વાપી તરફ જતા NH 48 પાસે દમણગંગા નદીના બ્રીજ પછી CETP પ્લાન્ટ પાસેથી મળી આવ્યો હતો. તે સ્થળે તપાસ કરતા બાળક અર્ધબેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. તેને સારવાર માટે વાપીની ખાનગી હોસ્પિટલમાં મોકલી જરૂરી સારવાર આપતા તે હાલમાં સ્વસ્થ છે.

અપહરણ કરનાર આરોપી ફરાર: ત્યાર બાદ પોલીસે ભોગ બનનાર બાળકના અપહરણ કરનાર ઇસમ વિરૂદ્ધ વધુ ઉંડાણપુર્વક તપાસ હાથ ધરી હતી. જેમાં ફરીયાદીના સંબંધીના ઘરે લગ્ન પ્રસંગમાં હાજર મહેમાનોમાંના ફરીયાદીની માસી સાસુનો દિકરો શાહબાજ ખાન ઉર્ફે સોનુ ફારૂખ ખાન (રહે. કુરેશીનગર, ચિશતીયા મસ્જીદની સામે, કુર્લા ઇસ્ટ, મુંબઇ, મહારાષ્ટ્રનો)અપહરણ બાળક મળી ન આવે ત્યાં સુધી ભોગ બનનાર બાળકની શોધખોળની તપાસમાં હાજર હતો અને અપહરણ બાળક મળી આવતા આ ઇસમ ફરાર થઇ ગયો હતો. અને ફોન પણ બંધ કરી દીધો હતો. જેથી આ ઇસમ શાહબાજ ખાન ઉર્ફે સોનુ ફારૂખ ખાનની તેના રહેણાંક ઘરે કુર્લા ઇસ્ટ, મુંબઇ ખાતે LCB ની ટીમ પહોંચી હતી.

બે ઇસમોની ઘરપકડ: જ્યાંથી જાણવા મળ્યું હતું કે, આ ફરાર શાહબાજ ખાન સાથે ઉમેર ઉર્ફે મોનુ જુબેર ખાન તથા મહમદ ઉમર ઉર્ફ સઉદ ફીરોઝ સલીમ નામના અન્ય 2 ઈસમો પણ ભિલાડ ખાતે લગ્ન પ્રસંગમાં આવેલા હતા. જેથી બંને ઇસમોની ગુનામાં સંડોવણી હોવાનું જણાય આવતા તેમની ધરપકડ કરી હતી. બંને ઇસમોએ શાહબાજ ખાન ઉર્ફે સોનુ ફારૂખ ખાનના કહેવાથી જ ભીલાડ ખાતે લગ્ન પ્રસંગમાં આવી બાળકનું અપહરણ કર્યું હતું. આ ત્રિપુટી સાઉદી અરેબિયાથી વાપીમાં આવેલા બાળકના પિતા પાસેથી ખંડણી પડાવવાના ઇરાદે લગ્નપ્રસંગમાં આવ્યા હતાં.

10 લાખ રૂપિયાની ફી: બાળકનું અપહરણ કરવા પેટે બન્ને સાગરીતોને 10 લાખ રૂપિયા આપવામાં આવશે. અને એક ડ્રાઇવરની જરૂર હોવાથી તેમણે ઉમેર ઉર્ફે મોનુ જુબેર ખાને તેના મિત્ર મહમદ ઉમર ઉર્ફે સઉદ ફિરોજ સલીમ કાઝીને ડ્રાઇવર તરીકે રહેવા જણાવ્યું હતું. ત્યારબાદ શાહબાજ ખાન ઉર્ફે સોનુ ફારૂખ ખાને લગ્નમાં આવી બાદમાં ઉમેર ઉર્ફે મોનુ જુબેર ખાન તથા મહમદ ઉમર ઉર્ફે સઉદ ફીરોઝ સલીમ કાઝીને ટ્રેન મારફતે બોલાવી વાપીના એક ગેસ્ટ હાઉસમાં રાખ્યા હતા.

બાળખને અવાવરૂ જગ્યા પર ફેંકી દીધો:તારીખ 23/12/2024 ના રોજ વાપીના જ સોનુના સંબંધીની વેગેનાર કાર મેળવી આ કારમાં સોનું તથા સઉદે બાળકને લઇ જઇ બાળકને બેભાન કરવાની કોશીશ કરી હતી. દરમિયાન બાળક મરી ગયો હોવાનું જણાતા ડરના કારણે બાળકને ભીલાડથી વાપી તરફ જતા NH 48 પાસે CEPT પ્લાન્ટ પાસે આવેલી અવાવરૂ જગ્યામાં ફેકી દિધો અને સોનુ પરત લગ્ન સ્થળે આવી ગયો તેમજ મોનુ તથા સઉદ પરત મુબઇ જતા રહ્યા હતાં.

ઉપરોકત ગુનામાં ભીલાડ પોલીસ દ્વારા આરોપી ઉમેર ઉર્ફે મોનુ જુબેર ખાન તથા મહમદ ઉમર ઉર્ફે સઉદ ફીરોઝ સલીમ કાઝીને ગુન્હાના કામે અટક કરવામાં આવી છે. તેમજ આરોપી શાહબાજ ખાન ઉર્ફે સોનુ ફારૂખ ખાનને આગ્રાથી પકડી પાડવામાં આવ્યા છે અને તેને ટ્રાન્ઝીટ રીમાન્ડ આધારે આગ્રાથી ભીલાડ લાવવાની કાર્યવાહી ચાલુ છે. આ ફરીયાદમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 61, 140(1), 240(2), 140(3) મુજબની ગુનાહિત કાવતરૂ તેમજ ખંડણીની કલમ ઉમેરવામાં આવી છે, પકડાયેલ આરોપીઓની પુછપરછ કરી રીમાન્ડ મેળવી સાયન્ટીફિક, ફોરેન્સીક, મેડિકલ તેમજ સાયોગીક પુરાવાઓ એકત્ર કરી આરોપીઓને સખતમાં સખત સજા થાય તે માટે વધુ તપાસ આર. પી. ડોડીયા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ભીલાડ કરી રહ્યા છે.

આ પણ વાંચો:

  1. વલસાડમાં ગુમ થયેલો બાળક આખરે મળ્યો, 48 કલાક સુધી ક્યાં હતો પોલીસ તપાસમાં થઈ શકે મોટો ખુલાસો
  2. સુરતમાં બેન્કમાં બાકોરું પાડીને ચોરી કરનાર ટોળકીના 8 ઝડપાયા, પોલીસની 12 ટીમો 4 રાજ્ય ખૂંદી વળી

ABOUT THE AUTHOR

...view details