જૂનાગઢ: જિલ્લાના માંગનાથ રોડ વિસ્તારમાં મહાભારત કાળની હાજરી અને પુરાવા રૂપે બુઢેશ્વર મહાદેવ આજે પણ દર્શન આપી રહ્યા છે. મહાદેવ સાથે મહાભારતકાળનો ઇતિહાસ પણ જોડાયેલો છે. કૌરવો અને પાંડવો વચ્ચે કુરુક્ષેત્રમાં થયેલા ભીષણ યુદ્ધ બાદ જયદ્રથના બાજુ પર જે નીલમ હતું તે આજે પણ જૂનાગઢમાં આ બુઢેશ્વર મહાદેવના નામથી દર્શન આપી રહ્યું છે. ચાલો જાણીએ નીલમ સાથે જોડાયેલ મહાભારત કાળનો ઉજવળ ઇતિહાસ વિશે.
મહાભારતકાળનો ઇતિહાસ જૂનાગઢનુ બુઢેશ્વર મહાદેવ: જૂનાગઢના માંગનાથ રોડ વિસ્તારમાં મહાભારત કાળનો ઇતિહાસ આજે પણ જોવા મળે છે. અહીં મહાદેવ સાથે મહાભારતનો ઇતિહાસ પણ ઉજાગર થાય છે. કુરુક્ષેત્રમાં કૌરવો અને પાંડવો વચ્ચે જે ભીષણ યુદ્ધ ખેલાયું હતું, તે યુદ્ધમાં સિંધના રાજા જયદ્રથના બાજુબંધ પર રહેલું નીલમ આજે જૂનાગઢમાં મહાદેવના રૂપમાં પૂજાઈ રહ્યું છે. સનાતન ધર્મની લોક વાયકા અનુસાર યુદ્ધમાં જ્યારે જયદ્રથના બાજુ કપાઈ ગયા હતા, ત્યારે કોઈ સમડી નીલમ સાથેનો તેમનો કપાઈ ગયેલો હાથ ઉઠાવી ગઈ હતી.
અકબરના સમયમાં ઘટના થઈ ઉજાગર: અકબરના સમયમાં જયદ્રથના બાજુબંધ પર રહેલ નીલમની ઘટના ઉજાગર થઈ હતી. ઘટના એમ હતી કે, બે મહિલાઓ પાણી ભરવા જઈ રહી હતી તે વખતે તેઓએ નીલમની વાતનો ઉલ્લેખ કર્યો હતો. આ બાબતની જાણ અકબરને થતા તેણે સમગ્ર ઘટનાનું સત્ય જાણવા માટે પ્રયાસો કર્યા હતા. જે બે પનિહારી નીલમની વાત કરી રહી છે તે પૈકીની એક પનિહારી તેના પૂર્વ જન્મમાં સમડીના રૂપે જયદ્રથનો કપાયેલો હાથ નીલમ સાથે ઉઠાવી ગઈ હતી તેમ તેણે ઉલ્લેખ કર્યો હતો. ઉપરાંત મહાભારતમાં જે રીતે ઉલ્લેખ થયો છે કે, અર્જુનના તીરે રાજા જયદ્રથનું બાહુ કપાયો હતો તે મુજબ પનિહારી જણાવી હતી. તેણે વધુમાં વાત કરતાં જણાવ્યું હતું કે, કપાયેલા હાથને સમડીએ આરોગી લીધો હતો અને કોઈ ઝાડ નીચે આવેલા કુવામાં નીલમ સાથેના હાડકા નાખીને સમળી ત્યાંથી રવાના થઈ ગઈ હતી.
અકબરે ટીંબો ખોદાવીને કુવામાંથી મેળવ્યું નીલમ: સમગ્ર લોકવાઇકાને ધ્યાને રાખીને અકબરે પહેલા જ્યાં કૂવો હતો ત્યાં તેના સમયમાં ટીંબો હતો તેને ખોદાવવાની આદેશ કર્યો. કુવામાંથી બાજુબંધ સાથે જોડેલા અને શિવલિંગના રૂપમાં નીલમ મળી આવ્યું હતું. અકબરે શ્રદ્ધાપૂર્વક શિવલિંગની પૂજા શરૂ કરાવી. અકબરના અવસાન બાદ આઝમ શાહના સમય સુધી આ શિવલિંગોની ચુસ્તપણે પૂજાતા હતા જેનો ઇતિહાસમાં પણ ઉલ્લેખ થયો છે. પરંતુ ત્યારબાદ ગાદીએ આવેલા સુલતાન ફર્રુખશિયરે પોતાના નાગર વજીર રાજા છબીલદાસ બહાદુરને આ શિવલિંગો બક્ષિસ રૂપે આપ્યા હતા. તેણે બે પૈકીનું એક નિલમનું પવિત્ર શિવલિંગ દયારામ નાગરને બક્ષિસ સ્વરૂપે આપ્યું હતું.
છબીલદાસ નાગરે શરૂ કરાવી પૂજા: બક્ષિસમાં શિવલિંગ મેળવ્યા બાદ છબીલદાસ નાગરે તેમને પુત્ર ન હોવાને કારણે પોતાની પુત્રીને કુંવરજી વેરે પરણાવી શિવલિંગની નિયમિત પૂજા કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ કુવરજી દીવાનના દેહાંત બાદ છેલ્લે દીવાન રણછોડજી અને તેના ભાઈઓએ વિક્રમ સંવત 1839 માં પોતાની હવેલી પાસે મંદિર બંધાવ્યું અને શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. આ શિવલિંગ પહેલાના સમયમાં બુઢ્ઢાબાવા તરીકે જાણીતું હોવાથી તેનું નામ બુઢેશ્વર મહાદેવ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યું.
વૈષ્ણવ સંપ્રદાય મુજબ પૂજા: માંગનાથ રોડ પર આવેલા બુઢેશ્વર મહાદેવને હરી અને હરના રૂપમાં પૂજવામાં આવે છે. આ શિવલિંગનો એક ઇતિહાસ એ પણ છે કે, અહીં નિલમના રૂપમાં સમગ્ર દેશમાં શિવલિંગ તરીકે પૂજાતા એકમાત્ર બુઢેશ્વર મહાદેવ છે. અહીં વૈષ્ણવ સંપ્રદાય અનુસાર મંદિરમાં પૂજા વિધિ પણ થાય છે. પ્રાતઃકાળની મંગળા આરતી, લઘુ પૂજન, રાજોપચાર પૂજા, અભિષેક સિંગાર, રાજભોગ અને આરતી તથા સંધ્યા સમયે પ્રતિદિન ઉત્થાન આરતી ત્યારબાદ શેનભોગ અને મહાપૂજાની આરતી પણ થાય છે. અહીં વર્ષમાં એક વખત વિવિધ પ્રસંગ 43 ઉત્સવોનું આયોજન પણ થાય છે. હિંડોળા દર્શનમાં સોના રૂપાના હિંડોળા બંધાય છે અને શ્રીહરીને અમૂલ્ય રત્નો અને મૂલ્યવાન વસ્ત્રો અંગીકાર કરાવાય છે.
આ પણ વાંચો: