વલસાડ:જિલ્લા નગર પાલિકાના વહીવટદાર દ્વારા વલસાડ પાલિકા વિસ્તારમાં પાણી વેરામાં વધારો કરવામાં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. પાણી વેરો જે અગાઉ રૂ. 660 હતો તે હવે રૂ. 1,000 કરવામાં આવ્યો છે. જેને પગલે લોકો ઉપર આર્થિક ભારણ પડશે. જે ધ્યાને આવતા વલસાડ નગર પાલિકાના પૂર્વ કોંગ્રેસના કાઉન્સિલરોએ નગરપાલિકાના વહીવટદારને આવેદન પત્ર પાઠવીને પાણી ઉપર વધારેલો 52% ના વેરો વધારાની જગ્યાએ 20% વેરો વધારવાની માંગ કરી છે. જો વેરો ઘટાડવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી હતી.
સ્થાનિક અગ્રણીઓએ આવેદન આપ્યું: રાજ્ય સરકારમાંથી મળેલી મંજૂરી મુજબ વલસાડ નગરપાલિકા દ્વારા તાજેતરમાં પાણી વેરામાં રુ. 660ની જગ્યાએ રુ. 1000નો વેરો વસૂલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વલસાડ શહેરના લોકો ઉપર પાણી વેરામાં 52% નો વધારો થતાં આર્થિક રીતે તકલીફ પડે તેમ છે. સ્થાનિક અગ્રણીઓએ વહીવટદાર આસ્થા સોલંકીને લેખિત આવેદન પત્ર પાઠવી પાણી વેરાનો વધારો પાછો ખેંચવા માંગ કરી છે.
3 વર્ષથી વેરા વધારાની પ્રપોઝલ:વલસાડ નગરપાલિકાએ પાણી વધારાનો 52% વધારાની જગ્યાએ 20% સુધી જ વેરો વધારવા માંગ કરી છે. જ્યારે નગરપાલિકાના વહીવટદાર આસ્થા સોલંકીએ અગ્રણીઓને છેલ્લા 3 વર્ષથી વેરા વધારા માટે પ્રપોઝલ મુકવામાં આવી હતી. જે અમલમાં ન આવતા રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ વેરાનો વધારો વરવામાં આવ્યો હોવાનું વલસાડ નગરપાલિકાના વહીવટદાર આસ્થા સોલંકીએ જણાવ્યું છે.