વલસાડ:વલસાડ જિલ્લામાં એક તબીબ દંપતી દ્વારા પર્યાવરણને નુકશાન કર્યા વિના જૂના લાકડા અને કાટમાળને રિયુઝ કરી પોતાનું એક અનોખું ઘરનું સ્વપ્નું સાકાર કર્યું છે. તબીબ દંપતીનું આ ઘર પર્યાવરણને અનુકૂળ બનાવવામાં આવ્યું છે. જેના કારણે અહીંયા અલગ અલગ પક્ષીઓ પણ આવે છે. સાથે તબીબ દંપતી દ્વારા પક્ષીઓ માટે પણ પોતાના ઘરમાં વિરામ સ્થાન બનાવ્યું છે. જેથી તે પક્ષીઓ પણ રહી શકે. સાથે તબીબ દંપતી જેટલા લાકડાનો ઉપયોગ ઘરમાં કરાયો છે એનાથી વધુ લાકડા પર્યાવરણને મળે તે માટે 2000 થી વધુ વૃક્ષોને રોપવામાં આવ્યા છે.
એક વૃક્ષ કાપ્યા વિના જૂના લાકડાના ઉપયોગથી ઘર બનાવ્યું
સમગ્ર વિશ્વભરમાં ગ્લોબલ વોર્મિંગના કારણે ચિંતિત છે. ત્યારે પર્યાવરણને બચાવવા માટે લોકો અનેક પ્રકારના પ્રયાસો કરી રહ્યા છે. સાથે વૃક્ષો વાવી રહ્યા છે. ત્યારે વલસાડ જિલ્લામાં એક એવું ઘર બનાવવામાં આવ્યું છે. જ્યાં એક પણ વૃક્ષ કાપવમાં આવ્યું નથી સાથે જૂના કાટમાળના લાકડાનો પુનઃઉપયોગ કરી પોતાનું ઘર બનાવવા માં આવ્યું છે.
શું ખાસિયત છે આ વિશેષ ઘરની?
જિલ્લાના વલસાડ તાલુકાના ફલધરા ગામ ખાતે રહેતા અને સેવાભાવી આદિવાસી તબીબ દંપતી દ્વારા પર્યાવરણ અને પક્ષી પ્રેમ તથા માતૃભૂમિ પ્રત્યેની લાગણી ઉજાગર કરતું પોતાનું ઘર બનાવ્યું છે. પર્યાવરણની સાથે મકાનની ફરતે દીવાલમાં અબોલ પક્ષીઓના આશ્રયસ્થાન એવા પક્ષી માળા, પક્ષીઓની તરસ છીપાવવા આંગણામાં પાણીનો કુંડ, પતંગિયા, પક્ષીઓને આકર્ષતા ફળ અને ફૂલ, વૃક્ષોનું વાવેતર તેમજ દેશી બિયારણના વેલાવાળી જૈવિક શાકભાજી તથા વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરતાં ત્રણ બોરમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ સીસ્ટમ થકી નવું ઘર પર્યાવરણને અનુરૂપ અને પ્રકૃતિનું નજીક લઈ જતું બનાવવામાં આવ્યું છે.
7000 સ્ક્વેર ફીટનું વિશાળ ઘર
વલસાડ તાલુકાના ફલધરા ગામના વતની અને ધરમપુરની શ્રી સાંઇનાથ હોસ્પિટલના પેથોલોજીસ્ટ ડૉ. હેમંત પટેલે સેવા તથા વતનપ્રેમને શહેરના સ્થાને પોતાના ગામમાં એકપણ વૃક્ષ કાપ્યા વિના 7000 સ્કવેર ફૂટના વિશાળ ઘરમાં માત્ર કાટમાળના લાકડાનો રિયુઝ કરીને એક અનોખી પહેલ કરી છે. એકપણ વૃક્ષ નવા ઘર માટે કાપ્યો નથી. સામે તેમણે અને તેમની પત્ની ડૉ.નિતલ પટેલે ફલધરા ગામમાં જ જેટલું લાકડું વપરાયું એટલા જ વૃક્ષ વાવ્યા છે અને ઉછેર પણ કરી રહ્યા છે. તબીબ દ્વારા અલગ અલગ વિસ્તારમાંથી 40થી 60 વર્ષ જુના મકાનના લાકડા મેળવી ઘર બનાવાયું છે.