વડોદરા: ગુજરાત સહિત દેશભરમાં હાલ ડિજિટલ એરેસ્ટ કરીને લોકો પાસેથી પૈસા પડાવવાનું સાબયર સ્કેમ સામે આવી રહ્યું છે. બીજી તરફ પોલીસ પણ લોકોને આ રીતે ડિજિટલ એરેસ્ટના સ્કેમથી સાવધાન રહેવા જાગૃત કરી રહી છે. ત્યારે વડોદરા શહેરમાં સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ડિજિટલ એરેસ્ટનો ભોગ બનેલા તબીબને 32.50 લાખની રકમ પાછી અપાવી છે અને કુલ 4 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે.
પોલીસે તબીબને 32 લાખ પાછા અપાવ્યા
આ અંગે વડોદરા શહેર પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જાણકારી આપવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે, વડોદરા સિટી સાયબર ક્રાઈમ સેલે ડિજિટલ એરેસ્ટના એક કિસ્સાને ડિટેક્ટ કરીને આરોપીઓને પકડીને ગુનામાં સંડોવાયેલા 32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
કુરિયરમાં ડ્રગ્સ હોવાનો ડર બતાવી પૈસા પડાવ્યા
ઘટના વિશે તબીબે જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા મને કુરિયર કંપનીમાંથી કોલ આવેલો કે તમારા નામથી એક ડ્રગ્સ થાઈલેન્ડ જઈ રહ્યું છે, તો તમે કંપનીનો સંપર્ક કરો. સંપર્ક કરતા એ લોકોની આખી ગેંગ હતી. જુદા જુદા મને પત્રો મોકલીને ડિજિટલ એરેસ્ટ પ્રકારનું આખું ઉભું કર્યું અને મને ફરજિયાત એમના એકાઉન્ટમાં પૈસા મોકલવા માટે મજબૂર કર્યો અને બેંક દ્વારા મારી મોટી રકમ એમના એકાઉન્ટમાં મેં જમા કરાવી હતી. પરંતુ પછી મને થોડી શંકા જતા મેં સાઈબર ક્રાઈમનો સંપર્ક કર્યો.
પોલીસે લોકોને સાવચેત કર્યા
પોલીસે જણાવ્યું કે, આ ઘટનામાંથી આપણે શીખવા જેવી 3 બાબતો છે. એક CBI, ક્રાઈમ બ્રાન્ચ, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ, નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોના નામે આવીને કોઈ કોઈના પૈસા માગે તો આને સાચું માનવાનું કોઈ કારણ નથી. ડિજિટલ એરેસ્ટના નામે કોઈ એરેસ્ટની વાત કરી તો કાયદામાં આવી કોઈ જોગવાઈ નથી અને મોબાઈલ તમે સ્વીચ ઓફ કરી શકો છો, ફોન નંબરને બ્લોક કરીને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનને જાણ કરશો તો આરોપી સુધી પહોંચવાની સફળતા મળશે.
આ પણ વાંચો:
- 'માવજીભાઈને ધૂળ ચાટતા કરી દીધા', વાવની પેટા ચૂંટણીમાં જીત બાદ સી.આર પાટીલે શું કહ્યું?
- Vav Bypolls Result: મતગણતરીના 21 રાઉન્ડ સુધી આગળ રહેનારા કોંગ્રેસના ગુલાબસિંહ વાવમાં કેવી રીતે હાર્યા?