જૂનાગઢ: ગીર અને સાવજને જોડતી સંસ્કૃતિ ભાતીગળ પરંપરા અને સિંહના રક્ષણ માટે ઝઝૂમતી માલધારી યુવતીની આસપાસ વણાયેલી 'સાસણ' ગુજરાતી ફિલ્મ રૂપેરી પડદે રજૂ થઈ ચૂકી છે. જેના અદાકારો ચિરાગ જાની અને અંજલિ બારોટની સાથે ફિલ્મ વિવેચક અભિલાષ ઘોડાએ ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી. 'સાસણ' ફિલ્મને લઈને ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ એક નવા આયામ તરફ આગળ વધી રહ્યો છે. તેવા ભરોસા સાથે ફિલ્મના કલાકારોએ 'સાસણ' ફિલ્મને રૂપેરી પરદે જોવા સૌ કોઈને અનુરોધ કર્યો છે
'સાસણ' ફિલ્મના કલાકારો ETV BHARAT પર: 22મી નવેમ્બરથી ગીર, સિંહ અને ભાતીગળ સંસ્કૃતિ અને લોક પરંપરાની આસપાસ વણાયેલી અને માલધારી અને જંગલને ઉજાગર કરતી ગુજરાતી ચલચિત્ર 'સાસણ' 22મી નવેમ્બરના દિવસે રૂપેરી પરદે રજૂ થઈ છે. ત્યારે જૂનાગઢમાં 'સાસણ' ફિલ્મના પ્રીમિયર શો વખતે મુખ્ય ભૂમિકા ભજવનાર અંજલી બારોટ અને ચિરાગ જાનીની સાથે ગુજરાતી ચલચિત્રના પ્રોડ્યુસર, ડાયરેક્ટર અને ફિલ્મના વિવેચક અભિલાષ ઘોડાએ ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી અને આ પ્રકારની ગુજરાતી ચલચિત્રો ગુજરાતની સંસ્કૃતિની સાથે ગુજરાતની પરંપરાને વધુ પ્રેરક બળ પૂરું પાડશે. ગીર અને જંગલ આધારિત આ ચલચિત્રમાં સિંહ અને ગીરની પરંપરા અને તેના રક્ષણ માટે ઝઝુમતી હિરલના પાત્રને કેન્દ્ર સ્થાને રાખીને આ ફિલ્મ બનાવવામાં આવી છે. જેને રૂપેરી પરદે જોવાની ફિલ્મના કલાકારો અને ફિલ્મ વિવેચકે લોકોને આગ્રહ ભરી વિનંતી કરી છે.
ગીર અને ભાતીગળ પરંપરાને પ્રાધાન્ય: 'સાસણ' ચલચિત્ર શિવમ ફિલ્મ પ્રસ્તુતિના બેનર નીચે બનાવવામાં આવી છે. જેના ડાયરેક્ટર તરીકે અશોક ઘોષ અને પ્રોડ્યુસર તરીકે રિતેશ પટેલે ગુજરાતની અને ખાસ કરીને ગીરનું જંગલ સિંહ અને તેની વચ્ચે રહેતા માલધારીઓને સમસ્યા અને તેના પ્રેમને કચકડે કંડારવાના પ્રયાસ રૂપે 'સાસણ' ફિલ્મ બનાવી છે. જે સત્ય ઘટના પર આધારિત હોવાનુ માનવામાં આવે છે. ગીર અને સિંહની વચ્ચે રહેતા માલધારીઓની આ કથા ઘણા સમય પછી ચલચિત્રના રૂપમાં સામે આવી છે. આ પ્રકારના ચલચિત્રો ગુજરાતી ભાષામાં ખૂબ ઓછા બન્યા છે. જેને કારણે 'સાસણ' ચલચિત્ર ખૂબ જ અલગ તરી આવે છે. જેમાં ગીરની ભાતીગળ સંસ્કૃતિ-ભાષા, ગીરનો પારંપરિક પોશાક અને સિંહને એક પરિવારના સભ્યની જેમ માનતી માલધારી પરિવારની એક સત્યકથાને આ ફિલ્મમાં વણી લેવામાં આવી છે. જેના કેન્દ્ર સ્થાને હિરલને રાખવામાં આવી છે. જે ગીર અને સિંહને બચાવવાની ઇચ્છા સાથે ગીર અને સિંહનું રક્ષણ કરતી પણ જોવા મળે છે.
ગુજરાતી ચલચિત્રમાં નવો આયામ એટલે 'સાસણ': ફિલ્મ નિર્માણ અને દિગ્દર્શકની સાથે વિવેચક તરીકે ખૂબ જ મોટું નામ એવા અભિલાષ ઘોડાએ પણ ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી, તેમને જણાવ્યું હતું કે, ગુજરાતી ભાષામાં આ પ્રકારની ફિલ્મો ખૂબ ઓછી બની છે. જેને કારણે આપણી ભાતિગળ સંસ્કૃતિ લોક પરંપરા અને પોતિકી ગુજરાતી ભાષાને નુકસાન થઈ રહ્યું છે. ત્યારે 'સાસણ' ચલચિત્રમાં ગીરની જે પરંપરાને વણીને એક વિનમ્ર પ્રયાસ માલધારી અને સિંહના રક્ષણ માટે ઝઝૂમતી વ્યથા અને ગીરની સત્યકથા પર આધારિત ફિલ્મમાં સૌ દર્શકોને અચૂકપણે જોવા મળશે. જંગલ અને માલધારીઓના જીવન વૃતાંત પર ખૂબ ઓછી ફિલ્મો બની છે. જેને કારણે ગુજરાતી ચલચિત્રના નિર્માણ અને દિગ્દર્શનની દિશામાં પણ ઉણપ જોવા મળે છે. પરંતુ 'સાસણ' ચલચિત્રના આવવાથી પરંપરિક સંસ્કૃતિ અને સ્થાનિક ભાતિગળ લોક પરંપરાને ઉજાગર કરતી અનેક નવી ફિલ્મો બનશે. તેનું પ્રેરણા સ્ત્રોત 'સાસણ' ફિલ્મ ચોક્કસ બનવું જોઈએ.
આ પણ વાંચો: