વડોદરાઃ હરણી તળાવ નાવ દુર્ઘટનાએ સમગ્ર ગુજરાત હચમચાવી મુક્યુ છે. આ દુર્ઘટનામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં બિન અનુભવી કંપની કોટિયા પ્રોજેક્ટ્સને હરણી લેક ઝોનનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. તે પણ 30 વર્ષ માટે. કોટિયા પ્રોજેક્ટ્સને ફરસાણ બનાવવાનો અને વિતરણ કરવાનો અનુભવ છે. જ્યારે કોન્ટ્રાક્ટ અપાયો ત્યારે કંપનીની બેલેન્સ શીટ ઝીરો હોવાનું પણ સામે આવ્યું છે. અધિકારીઓની મીલીભગત અને કોઈ રાજકીય દબાણ હોવાનો આક્ષેપ વડોદરા મહા નગર પાલિકાના વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો.
કોન્ટ્રાક્ટ આપવામાં લોલમલોલઃ VMCએ મેસર્સ કોટિયા પ્રોજેક્ટને ઝીરો બેલેન્સ અને કોઈ પણ પ્રકારના અનુભવ વિના હરણી મોટનાથ લેક ઝોન ચલાવવાનો કોન્ટ્રાક્ટ આપી દીધો હતો. આ કોન્ટ્રાક્ટ વર્ષ 2015માં એક વાર રદ કરવામાં આવ્યો હતો. ફરીથી વર્ષ 2017માં આ કોન્ટ્રાક્ટ 30 વર્ષ માટે કોટિયા પ્રોજેકટ્સને આપી દેવાયો. આ કંપની પાસે માત્ર ફરસાણ બનાવવા અને તેના વિતરણનો જ અનુભવ છે. કોન્ટ્રાકટ અપાયો ત્યારે કંપનીનું બેન્ક બેલેન્સ ઝીરો હતું. તે સમયે કોઈ પણ પ્રકારના IT ડોક્યુમેન્ટસ પણ સબમિટ કરવામાં આવ્યા નહોતા. મેસર્સ કોટિયા પ્રોજેક્ટ દ્વારા હરણી લેકમાં બોટિંગ ક્લબ પણ ચલાવવામાં આવતી હતી. જો કોર્પોરેશન દ્વારા સમયાંતરે હોડીઓ સહિતના સાધનોની ચકાસણી કરવામાં આવી હોત તો કદાચ આ દુર્ઘટના ન સર્જાઈ હોત.
વર્ષ 2016માં રદ થયું હતું ટેન્ડરઃ મેસર્સ કોટિયો પ્રોજેક્ટને પ્રથમવાર હરણી લેક ઝોનનો કોન્ટ્રાક્ટ અપાયો તેનો વિરોધ પક્ષ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. જેના પગલે સમગ્ર ટેન્ડર પ્રક્રિયા રદ કરવામાં આવી હતી. જો કે કોઈ રાજકીય વગના કારણે આ ટેન્ડર પ્રક્રિયા બે જ મહિનામાં મંજૂર કરી 30 વર્ષ માટે કોન્ટ્રાક્ટ ફરીથી આ કંપનીને અપાયો હતો. તે સમયના જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કડક કાયદાકીય પગલાં લેવાય તેવી વિપક્ષ માંગ કરી રહ્યો છે. જો તટસ્થ રીતે તપાસ કરવામાં આવે તો કોર્પોરેશન ના વહીવટી અધિકારીનો વિરુદ્ધ મોટો પર્દાફાસ થાય તેમ છે.
નજીવી રકમ રૂપિયા 3,01,111નો કોન્ટ્રાક્ટઃ વર્ષ 2017માં ડો. વિનોદ રાવના કાર્યકાળ દરમિયાન હરણી તળાવ અને વિકાસ માટે આ માત્ર રૂપિયા 3,01,111 જેટલી નજીવી રકમમાં વાર્ષીક કોન્ટ્રાક આપી દેવામાં આવ્યો હતો. આ કોન્ટ્રાક્ટ કોર્પોરેશને ડેવલોપમેન્ટ માટે કોટિયા પ્રોજેક્ટ્સને આપ્યો હતો. વડોદરા કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશ્નર દિલીપ રાણાએ દુર્ધટના બાદ શુક્રવારે લેકની મિલકત સીઝ કરવાનો અને કોટિયા પ્રોજેક્ટ્સનો કોન્ટ્રાક્ટ રદ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્પોરેશન હવે મૂળ કોન્ટ્રાકટર દ્વારા કોને કોને પેટા કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો તેની તપાસ કરી રહ્યું છે.