વડોદરાઃ શહેરના નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત રાત્રે એક કોમી છમકલુ થયું હતું. સમગ્ર મામલામાં એક યુવકના ઈન્સ્ટાગ્રામમાં લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન અન્ય યુવકે ધાર્મિક લાગણી દુભાય તેવી કોમેન્ટ કરી હતી. આ કોમેન્ટને લીધે કોમી છમકલું થયું હતું. નવાપુરા પોલીસ સ્ટેશનની બહાર લોકો ઉમટી પડ્યા હતા. ટાળાએ આરોપીની ઘરપકડ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. આ સમયે ખાટકીવાડ ગલીમાંથી અચાનક જ બીજા એક ટોળાએ આવીને પથ્થરમારો કરતા પરિસ્થિતિ વણસી હતી.
સમગ્ર ઘટનાક્રમઃ રાજમહેલ રોડ ઉપર ઉટખાનની ગલીના નાકે અર્જુન પટેલ મોબાઈલ એસેસરીઝની દુકાન ચલાવે છે. તેમણે પોતાની દુકાનની ઓફર વિશે ગ્રાહકોને જણાવવા માટે તેમના ઈન્સ્ટાગ્રામ ઉપર લાઈવ સ્ટ્રીમિંગ કરતા હોય છે. તા.21/02/2024ના રોજ સાંજના 7.23ના સુમારે અર્જુન પટેલા તેમના ઈનસ્ટાગ્રામ પર લાઈવ થયા હતા. આ દરમિયાન તેમના ગ્રાહકોને જય શ્રી રામ કહીને શુભેચ્છા પાઠવી હતી. આ લાઈવમાં sahid-patel-7070 નામની આઈડી પરથી ધાર્મિક લાગણી દુભાય તેવી બિભત્સ ગાળ લખવામાં આવી હતી. જેથી આ કોમેન્ટની તપાસ કરતાં સહીદ પટેલ (રહે. ગુજરાત હાઉસિંગબોર્ડ, મહાલક્ષ્મી સોસાયટીની સામે, પાદરા,જિ.વડોદરા) હોવાનું જાણવા મળ્યું હતું. અર્જુન પટેલે તેને ફોન કરતા ફોન રીસિવ કરવામાં આવ્યો નહતો. ઈન્સ્ટાગ્રામ આઈ.ડી. ઉપરથી કોમેન્ટ વાળો ફોટો પણ ડીલીટ કરી નાખ્યો હતો.
ધાકધમકી અપાઈઃ હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ એ તેના ઘરે જઈ તપાસ કરતા તે મળી આવ્યો ન હોતો. ત્યારબાદ સહીદ સાથે ફોન ઉપર વાત કરતા તે મારી સાથે દાદાગીરી કરીને ગાળો બોલવા લાગ્યો હતો. તેણે કહ્યું હતું કે, હું પાદરામાં બેઠો છું. તારામાં તાકાત હોયતો આવીજા પાદરા. તેમ કહી અર્જુન પટેલને ઘાકધમકી આપી હતી. તેની પોસ્ટથી ધાર્મિક લાગણી દુભાઈ હોવાથી અર્જુન પટેલે આરોપી વિરુદ્ધ નવાપુરા પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.