અમદાવાદ: હરણી બોટ દુર્ઘટના મામલે ગુજરાત હાઇકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં કોટિયા પ્રોજેક્ટને પક્ષકાર બનાવી હાઇકોર્ટે નોટિસ પાઠવી હતી. નોટિસ પછી પણ તેના ભાગીદાર કોર્ટમાં હાજરના થતા કોર્ટે ફટકાર લગાવી હતી. હાઇકોર્ટે આ સંદર્ભે કહ્યું કે, કોટિયા પ્રોજેક્ટના અંદરો અંદર વિભાગમાં અમે પડવા નથી માંગતા. હાઇકોર્ટે કલેકટર પાસેથી આ મામલે તમામ પ્રકારની વિગતો મંગાવી છે. આ અંગેની વધુ સુનાવણી 25 ઓક્ટોબરે હાથ ધરાશે.
વોટર એક્ટિવિટીના નવા નિયમો જાહેર કરશે સરકાર
આ સાથે વોટર એક્ટિવિટી સંબંધિત નવા નિયમોની જાહેરાત પણ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા ઓક્ટોબરના અંત સુધીમાં વોટર એક્ટિવિટી માટેના નિયમોની જાહેરાત કરવામાં આવશે. આ અંગેની તમામ માહિતી એડવોકેટ જનરલ દ્વારા આપવામાં આવી હતી કે, વોટર એક્ટિવિટી પર આ દુર્ઘટના પછી રોક લગાવવામાં આવી હતી અને વોટર એક્ટિવિટીના નિયમો જાહેર કરવામાં આવશે.
હાઈકોર્ટે મૃતકો અને પીડિતોની વિગતો મંગાવી
કોર્ટમાં આજે પણ કોટિયા પ્રોજેક્ટ વતી કોઈ હાજર રહ્યું નહોતું, તે માટે પણ હાઇકોર્ટ નારાજગી વ્યક્ત કરી અને સાથે આ દુર્ઘટનાના પીડીતો અને મૃતકોની તમામ માહિતી લઈને કલેકટર હાઇકોર્ટમાં રજૂ કરે તે માટે પણ હુકુમ કરવામાં આવ્યો છે. સાથે જ વળતર માટે જે પણ વિગતો છે તે પણ રજૂ કરવા કહેવાયું છે.
શું હતો સમગ્ર મામલો?
કેસની સમગ્ર વિગત પ્રમાણે 18 જાન્યુઆરીએ વડોદરા શહેરમાં આવેલા હરણી તળાવમાં એક બોટ પલટી ગઈ હતી. જેમાં પિકનિકમાં આવેલી શાળાના 12 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોના મોત થયા હતા. જેની હાઇકોર્ટ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠમાં સુનાવણી કરવામાં આવી હતી.
અગાઉની સુનાવણી દરમિયાન ખંડપીઠે રાજ્ય સરકાર અને બે ભૂતપૂર્વ કમિશનરોને ફરજમાં બેદરકારી અને પોતાના હોદ્દાનો દુરુપયોગ કરવા માટે જવાબદાર ઠેરવ્યા હતા. અને તેમની સામે શિષ્તભંગના પગલા લેવા માટે હુકમ આપ્યા હતા. તેમાંના એક અધિકારી દ્વારા આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. પરંતુ તેમાં કોઈ રાહત મળી નહોતી. આ સંદર્ભે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી દ્વારા કહેવામાં આવ્યું હતું કે, આદેશની નકલ રાજ્ય સરકારને મળ્યા બાદ કાર્યવાહી આગળ શરૂ કરવામાં આવી છે.
મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, શહેરના લેક ઝોનનું સંચાલન કરનાર કોટિયા પ્રોજેક્ટ બિલ્ડીંગ પ્રક્રિયામાં માટે સક્ષમ નહોતું. ગત સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલ તરફથી હાઇકોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, રાજ્યમાં હાલમાં તમામ જળાશયોમાં બોટિંગની પ્રવૃત્તિ બંધ છે.
આ પણ વાંચો:
- પોરબંદર પોલીસે કુખ્યાત ગેંગસ્ટાર ભીમા દુલા સહિત ચારની કરી ધરપકડ!, જાણો શું છે સમગ્ર મામલો...
- VIDEO: સુરતમાં કારના બોનેટ પર બેસી બર્થ-ડેની ઉજવણી યુવતીને ભારે પડી, પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો