અમદાવાદ:ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારની 1962 કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાઓ સજજ કરવામાં આવી છે, દર વખતે મકરસંક્રાંતિનો તહેવાર આવે ત્યારે પશુ પક્ષીઓને પતંગના દોરાથી ઇજાઓ પહોંચતી હોય છે, ત્યારે પશુ પક્ષી અંગે પણ કરુણા દાખવીને આ કરુણા એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે.
રાજ્યમાં રંગીન પતંગોત્સવની ઉજવણી માટે તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે ગુજરાત સરકારની 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા પંખી અને પ્રાણીઓની ઇમર્જન્સીમાં થાય એવા મહત્વપૂર્ણ વધારાનો સામનો કરવા માટે સજ્જ બનાવવામાં આવી છે.
છેલ્લાં કેટલાંક વર્ષોના તથ્ય અને વિશ્લેષણના આધારે, 14 જાન્યુઆરી 2025ના રોજ અંદાજે 1,476 ઈમરજન્સીના કેસ નોંધાવાની શક્યતા છે, જે સામાન્ય દિવસોમાં નોંધાતા 842 કેસોની સરખામણાએ 75.28% નો વધારો દર્શાવે છે. તેવી જ રીતે, 15 જાન્યુઆરી 2025ના રોજ 1,495 ઇમર્જન્સી કેસ થવાની શક્યતા છે, જે 77.53% નો વધારો દર્શાવે છે.
રાજ્યના મુખ્ય જિલ્લાઓ, જેમ કે અમદાવાદ, અરવલ્લી, બાનાસકાંઠા, ગાંધીનગર, મહિસાગર, નવસારી, પંચમહાલ, પાટણ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, અને સુરેન્દ્રનગરમાં વિશેષ વૃદ્ધિ થવાની અપેક્ષા છે. કરુણા અભિયાન અંતર્ગત, પ્રાણી અને પંખીઓને ઝડપથી મદદ પહોંચે તે માટે 1962 એમ્બ્યુલન્સની સંખ્યા 14 અને 15 જાન્યુઆરી દરમિયાન 37 થી વધારીને 87 કરવામાં આવી છે.