રાજકોટ :ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા કારખાનામાં કામ કરતા મજૂરોના બાળકોની થોડા દિવસ પહેલા તબિયત બગડી હતી. જેમાંની ચાર બાળકોના મોત થતા જિલ્લા વહીવટી તંત્રમાં દોડધામ મચી હતી. ઉચ્ચ અધિકારીઓએ ઉપલેટામાં ધામા નાખ્યા હતા, સાથે જ જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું હતું. જોકે શહેર કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કર્યા છે કે, તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કે કામગીરી કરવામાં આવી રહી નથી અને બેદરકારી ભર્યું કામ થઈ રહ્યું છે.
ચાર બાળકોના મોત થતા ચકચાર મચી, વિપક્ષે તંત્ર પર આકરા પ્રહાર કર્યા (ETV Bharat Reporter) કારખાનામાં ચાર બાળકોના મોત :આ અંગે ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈએ જણાવ્યું કે, ઉપલેટામાં થોડા દિવસ પૂર્વે ગણોદ અને મેરવદર નજીક આવેલા કારખાનામાં પાણીજન્ય રોગના કારણે ચાર જેટલા બાળકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ બનાવને અઠવાડિયા જેટલો સમય થયો છે, જ્યારે તંત્રને આ અંગે ત્રણ દિવસ બાદ ખબર પડી છે. આ તંત્રની પણ એવી બલિહારી છે કે જે જગ્યા પર આ બનાવ બન્યો છે, ત્યાં મામલતદાર, નગરપાલિકા, પોલીસ કે આરોગ્ય વિભાગના ચારમાંથી એક પણ ઓફિસના અધિકારીને આ બનાવની જાણ થઈ નથી.
વહીવટી તંત્રની બેદરકારી :જ્યારે રાજકોટથી અધિકારીઓ આ અંગે તપાસ કરવા આવ્યા ત્યારે તેમને ખ્યાલ આવ્યો. જે બાદ કારખાના પર જઈને નમૂના અને સેમ્પલ લઇ લોકોએ તપાસ કરી છે. આ તંત્ર કેટલું બેદરકાર છે તે અહીં સ્પષ્ટ દેખાય છે. આ બેદરકારીને કારણે ચાર બાળકોના ભોગ લેવાયા છે. પહેલું બાળક બીમારીનો ભોગ બન્યો ત્યારે તેમને ઉપલેટામાં સારવાર લીધી હતી, આ સમયે જ તંત્રએ યોગ્ય ધ્યાન આપી અને પગલાં લીધા હોત તો બાકીના અન્ય લોકોને અસર ન થાત અને બાળકોનો જીવ બચી ગયો હોય. આ બાળકોના મોત લાપરવાહીના કારણે થયા છે.
કલેક્ટરનું જાહેરનામું :રાજકોટ જિલ્લા કલેકટરે અમુક વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરી અને એક જાહેરનામું બહાર પાડ્યું છે. સાથે જ જાહેરનામાની અમલવારી માટે જવાબદાર તંત્રને જવાબદારી સોંપી છે. તંત્ર એટલું બેદરકાર છે કે, આ બનાવ બન્યાને 24 કલાક થયા છતાં પણ જવાબદાર અધિકારીઓ અને ખાસ કરીને મામલતદાર પોતાની ઓફિસમાંથી નીકળ્યા નથી. તેઓ સ્થળ પર ગયા નથી કે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી નથી. ઉપલેટામાં હાલ રોકટોક અને તપાસ કર્યા વગર ખાણીપીણીની વસ્તુઓ વહેંચાઈ રહી છે.
કોંગ્રેસ પ્રમુખની માંગ :જો આ બનાવથી વધુ કોઈ પ્રકારની જાનહાની કે કોઈપણ વ્યક્તિની આરોગ્યની પરિસ્થિતિ બગડે તો આમાં જવાબદાર કોણ રહેશે ? જ્યારે અહીંયાના અધિકારીઓ કલેકટરના જાહેરનામાનો અમલ ન કરતા હોય અને માનતા ન હોય તેવું લાગી રહ્યું છે. જેથી આ મામલે તાત્કાલિક અસરથી પગલાં લેવા જોઈએ અને જાહેરનામાની ચુસ્ત અને કડક અમલવારી થાય તે યોગ્ય છે.
વહીવટી તંત્રની કાર્યવાહી :આ બાબતને લઈને ઉપલેટાના મામલતદાર મહેશ ધનવાણીએ જણાવ્યું કે, ઉપલેટા તાલુકાના ગણોદ તણસવા રોડ ઉપર આવેલ પ્લાસ્ટિકના કારખાનામાં કોલેરાના કેસ ધ્યાને આવ્યા, ત્યારે જિલ્લા કલેકટર દ્વારા 23 જૂનથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે ઉપલેટા મામલતદારની નિમણૂક કરવામાં આવી છે. આ બાબતે પ્લાસ્ટિક એસોસિએશનના તમામ હોદ્દેદારો અને અધિકારીઓ વચ્ચે એક બેઠક યોજવામાં આવી હતી.
કારખાના સંચાલકોને સૂચન :તમામ નિયમો, હુકમો અને સૂચનોનું યોગ્યપણે પાલન કરવામાં આવે તે માટે સૂચનાઓ આપવામાં આવી હતી. આ સાથે જ કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા અનુસાર કારખાના તેમજ તેની આજુબાજુના વિસ્તારમાં નિયમો અને હુકમોનું ચુસ્ત પાલન કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે. જો કોઈ આ નિયમોનું ઉલ્લંઘન કરશે કે સૂચન હુકમનું પાલન નહીં કરે તેમની સામે ધારાધોરણ મુજબ અને નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
- ઉપલેટામાં ગણોદ-તણસવા રોડ વિસ્તારને સંભવિત કોલેરાના કેસો અંગે પ્રતિબંધાત્મક જાહેર કર્યો
- કારખાનામાં કામ કરતા મજૂરના ચાર બાળકોના ઝાડા-ઊલ્ટીના કારણે મોત