ગાંધીનગરઃ કોંગ્રેસે ગુજરાતમાં બેરોજગારીના મુદ્દાને સોશિયલ મીડિયા પર ચગાવતા આજે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ સરકારના બચાવમાં ઉતર્યા છે. તેમણે ભરૂચની થર્મેક્સ કંપનીમાં નોકરી માટે આવેલા ઉમેદવારો અનુભવી અને રોજગારી ધરાવતા હોવાનો દાવો કર્યો છે. કંપનીએ આપેલી જાહેરાતમાં જ ત્રણથી દસ વર્ષના અનુભવી ઉમેદવારોની માંગણી કરી હતી.
બેરોજગારી મુદ્દે ભાજપ કોંગ્રેસ આમને સામને, દેશમાં સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય ગુજરાત - ઋષિકેશ પટેલ - Unemployment Issue - UNEMPLOYMENT ISSUE
ગુજરાતમાં બેરોજગારીના મુદ્દે ભાજપ અને કોંગ્રેસ સામે આવી ગયા છે. ભરૂચમાં ખાનગી કંપનીમાં નોકરી મેળવવા માટે હજારો બેરોજગાર યુવાનોની ભીડ ઉમટી પડી છે. આ ભીડનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વાયરલ વિડીયો મુદ્દે લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પણ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસે આ મુદ્દાને સોશિયલ મીડિયા પર ચગાવતા આજે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ સરકારના બચાવમાં ઉતર્યા છે.
Published : Jul 12, 2024, 6:19 PM IST
ભાજપનો આક્ષેપઃ ભરૂચમાં બેરોજગારી અંગેનો વાયરલ થયેલ વિડીયો મામલે પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન આવ્યું છે. ઋષિકેશ પટેલે કોંગ્રેસ પર બેરોજગારી મુદ્દે રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો છે. ગુજરાતને નીચું બતાવવાનો પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરાયો છે. ભરૂચમાં જ્યા જગ્યા પડી ત્યાં અનુભવી લોકો માટેની જગ્યા હતી. કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા આવેલા તમામ ઉમેદવારો રોજગાર ધરાવતા હતા. ત્યાં આવેલા ઉમેદવારો બેરોજગારો હતો તેવો કોંગ્રેસનો દાવો ખોટો હતો. આવેલા ઉમેદવારો કોઈને કોઈ જગ્યાએ નોકરી કરતા હતા એવા ઉમેદવારો હતા. આખા દેશમાં રોજગાર આપવામાં ગુજરાત પહેલા નંબરે છે. ગુજરાત માટે કોંગ્રેસ ના મનમાં શુ છે તે ખબર નથી. સમજ અને સમજણ વગર કોંગ્રેસ ખોટા નિવેદનો કરે છે.
વાયરલ વિડીયોની હકીકતઃ ઋષિકેશ પટેલે કોંગ્રેસ પર આક્ષેપ કર્યો છે કે, ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યને નીચું દેખાડવાનો પ્રયાસ સતત કરવામાં આવી રહ્યો છે. જે કંપની દ્વારા 40 થી 42 જેટલી જગ્યાઓ માટે વેકેન્સી બહાર પાડી હતી તેમાં સ્પષ્ટ રીતે લખાયું હતું કે આ પોસ્ટ માટે ત્રણથી દસ વર્ષનો અનુભવ ધરાવતા લોકો જુદી જુદી લાયકાત ધરાવતા પાસે અરજી મંગાવવામાં આવી હતી. અનુભવી ઉમેદવારોને નોકરી આપવાનો વિષય હતો. જે લોકો નોકરી કરતા હતા તેઓ વધુ સારી તક માટે થર્મેક્સ કંપનીમાં અરજી કરી હતી. અરજદારો રોજગાર વિહોણા હતા તે બાબત સદંતર ખોટી છે. તમામ અરજદારો નાની મોટી રોજગારી ધરાવતા હતા. જાહેરાતમાં અનુભવ ધરાવતા ઉમેદવારોને જ બોલાવવામાં આવ્યા હતા.
ગુજરાતમાં બેરોજગારી દર 1.7 ટકાઃ આખા દેશમાં રોજગાર આપવામાં પ્રથમ રાજ્ય ગુજરાત છે. લગભગ દેશમાં બેરોજગારીનો દર 3.7 ટકા છે. જ્યારે ગુજરાતમાં બેરોજગારી દર 1.7 ટકા જ છે. કોંગ્રેસ ગુજરાતને નીચું દેખાડવાનો પ્રયાસ વર્ષોથી કરે છે. કોંગ્રેસ સમજણ વગર અને જાહેરાત જોયા વગર આક્ષેપો કરે છે. અનુભવ અને રોજગારી ધરાવતા ઉમેદવારોને બેરોજગારી સાથે સાંકળી લીધું છે. ગુજરાત દર વર્ષે 2.95 લાખ રોજગારો આપ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં સરકારે 15 લાખ લોકોને રોજગારી પૂરી પાડી છે. ત્યારે આ કોંગ્રેસ દ્વારા જે આખી વાત સમગ્ર દેશ સુધી મૂકવાનો પ્રયત્ન થયો છે તે વખોડવાને લાયક છે. કોંગ્રેસ ગુજરાતને બદનામ કરવા માટે સોશિયલ મીડિયા કેમ્પેનીંગ ચલાવે છે. ગુજરાતને બદનામ કરવાનો આ કોંગ્રેસનો ટ્રેન્ડ વર્ષોથી ચાલુ છે.