અમદાવાદ: આજે સંસદમાં શક્તિસિંહ ગોહિલે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ મુદ્દે પ્રશ્નો ઉઠાવ્યા હતા. એટલું જ નહીં તેમણે આ ઉપરાંત આ કૌભાંડને લઈને અન્ય સ્થળોએ પણ આવા ષડયંત્રો ચાલી રહ્યા હોવાનું અને તેના રોકી લોકોના જીવ બચાવવા આ કેસમાં સીબીઆઈ તપાસની માગ કરી હતી.
તેમણે આ દરમિયાન જણાવ્યું કે, 'સુનિયોજિત ષડયંત્ર હેઠળ ગામમાંથી ગરીબ દર્દીઓને એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી માટે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બોલાવવામાં આવ્યા હતા. જરૂરિયાત ન હોવા છતાં પણ ગામમાં મફત મેડિકલ કેમ્પ યોજીને અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ યોજના અંતર્ગત હોસ્પિટલ પૈસા લઈ રહી હતી.'
તેમને વધુમાં કહ્યું કે, 'થોડા દિવસ પહેલા 24 નવેમ્બરના રોજ આ પ્રખ્યાત હોસ્પિટલે મેડિકલ કેમ્પ દ્વારા ગરીબ લોકોને હાર્ટની તકલીફ હોવાનું કહીને ડરાવીને હોસ્પિટલમાં બોલાવ્યા અને જરૂર ન હોવા છતાં એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, જેમાંથી બે દર્દીઓના મોત થયા હતા. ઉપરાંત ઘણા દર્દીઓને સમસ્યાના કારણે આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી પૈસા એકઠા કરવાનું કામ એક ષડયંત્ર હેઠળ ચાલી રહ્યું હતું અને ગરીબોની જિંદગી સાથે રમત રમાઈ રહી હતી. રાજ્ય સરકાર દ્વારા રચાયેલી કમિટીએ પણ આ વાતને સમર્થન આપ્યું છે. તેથી વિનંતી છે કે, અન્ય સ્થળોએ પણ આવા ષડયંત્રો ચાલી રહ્યા છે, તેને રોકવા અને ગરીબ લોકોના જીવન સાથે રમત ન થાય તે માટે સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવે.'
આ પણ વાંચો:
- વલસાડ સ્ટેશને વિવિધ ટ્રેનોના સ્ટોપેજની માંગ, સાંસદ ધવલ પટેલે કેન્દ્રીય રેલ્વે મંત્રીને કરી રજૂઆત
- અંક્લેશ્વરની કંપનીમાં બ્લાસ્ટઃ 4ના મોત, મૃતદેહ 100 મીટર દૂર ફેંકાયો, મૃતકોના પરિવારને 1-1 કરોડની સહાયની ચૈતર વસાવાની માગ