રાજકોટ: આ વર્ષે મગફળીના વાવેતરમાં ખેડૂતોમાં ઉત્સાહ વધારે રહ્યો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ગુજરાતમાં બુધવાર સુધીમાં 16.83 ટકાનું અને સમગ્ર દેશમાં એકંદરે 9.44 ટકા વાવેતર વધારો નોંધાયો છે. વર્ષ 2023-24માં માત્ર ગુજરાતમાં જ મગફળીનું 46.45 લાખ ટન ઉત્પાદન થયું હતું અને આ વર્ષે વાવેતરમાં સરેરાશ 10 ટકા જેટલો વધારો નોંધાયો છે ત્યારે ઉત્પાદન વધવાની આશા વચ્ચે સિંગતેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. હાલ એક દિવસમાં જ રાજકોટના તેલ બજારમાં સિંગતેલના ભાવ પ્રતિ 15 કિલોના ડબ્બા દીઠ રૂ.2630-2680થી ઘટીને રૂ. 2590-2640 સુધી નીચે ઉતર્યા હતા. તો પામ-કપાસિયા તેલમાં રૂ. 60નો વધારો થયો છે.
કપાસિયા તેલના ભાવમાં વધારો: આયાતી તેલ પર ડ્યુટી નાખવાની વિચારણાથી જ સાઈડ ખાદ્યતેલોમાં રૂપિયા 60નો ઉછાળો જોવા મળ્યો છે. કપાસિયા તેલ, પામોલીન તેલ, સનફ્લાવર તેલ, મકાઈનું તેલ, વનસ્પતિ ઘી સહિતના તેલોમાં રૂપિયા 30 થી 60 સુધીનો વધારો માત્ર એક જ દિવસમાં જોવા મળ્યો છે. કપાસિયા તેલમાં છેલ્લા 15 દિવસમાં ડબ્બે રૂપિયા 200 થી 225 રૂપિયા સુધીનો તોતિંગ વધારો થયો હોવાનું સામે આવ્યું છે.
પામોલીન તેલમાં 60 રૂપિયા સુધીનો વધારો: પામોલીન તેલમાં 100 થી 150 રૂપિયા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે. પામોલીન તેલમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 60 રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે. જે પ્રમાણે સાઈડ તેલમાં સતત વધારો જોવા મળી રહ્યો છે તે જોતાં આયાતકારોએ સિન્ડિકેટ રચી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત પામોલીન તેલમાં ડ્યુટી આવવાની વાત હતી. તેના કારણે પણ પામોલીન તેલના સંગ્રાહખોરો દ્વારા માલની વેચવાની બંધ કરી દીધી હતી. તો બીજી તરફ સિંગતેલમાં જે આગ ઝરતી તેજી જોવા મળી હતી. તેના પર હવે બ્રેક લાગી રહી હોવાનું સામે આવ્યું છે.
સિંગતેલના ભાવમાં ઘટાડો:વરસાદે વિરામ લેતા તેમજ ચોમાસુ પાક દરમિયાન મગફળીનું ઉત્પાદન સૌરાષ્ટ્રમાં સારું થશે. તેવા આશાવાદના કારણે સિંગતેલના ભાવમાં ઘટાડો નોંધાયો હોવાનું સામે આવ્યું છે. જેના કારણે સિંગતેલમાં છેલ્લા ત્રણ-ચાર દિવસમાં રૂપિયા 75નો ઘટાડો જોવા મળી રહ્યો છે. અત્યારે હાલ સીંગતેલનો નવો ડબ્બાનો ભાવ 2680 આસપાસ જોવા મળી રહ્યો છે. કપાસિયા તેલનો નવો ડબ્બો હાલ 1900 રૂપિયા આસપાસ મળી રહ્યો છે. પામોલીન તેલનો નવો ડબ્બો હાલ 1750 થી 1760 રૂપિયાની આસપાસ મળી રહ્યો છે. સનફ્લાવર તેલનો નવો ડબ્બો ખાલી 1550 થી 1560 રૂપિયાની આસપાસ મળી રહ્યો છે.
આ પણ વાંચો
- મોરબી આવી કેન્દ્રીય ડિઝાસ્ટરની ટીમ, જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને સ્થિતિનો તાગ મેળવ્યો - Central disaster team visit morbi
- ગુજરાતના શહેરોને કનેક્ટ કરવા 20 નવીન હાઈટેક વોલ્વો બસ શરૂ: ગણેશ મહોત્સવમાં પથ્થરમારા અંગે બોલ્યા હર્ષ સંઘવી - New ST bus For Gujarat