ગુજરાત: લોકસભા ચૂંટણીમાં ગુજરાતના મંત્રીઓને મહત્વની જવાબદારી સોંપાઈ હતી. જેટલા પણ પ્રભારી મંત્રી છે, તે તમામને પ્રચાર, કેમ્પેઇનથી લઇને તમામ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. તેની સાથે જ મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યુ છે. આ સાથે જ જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે લોકસભા ચૂંટણી પછી ગુજરાતના રાજ્ય સરકારના મંત્રીમંડળમાં વિસ્તરણ થઇ શકે છે. મંત્રીમંડળમાં મોટા પાયે ફેરફાર આવી શકે છે.
કેટલાક મંત્રીઓને પડતા મૂકી નવા ચહેરાને સ્થાન અપાશે:માહિતી પ્રમાણે અત્યારે જે મંત્રીઓ છે તેમાંથી કેટલાકને ડ્રોપ કરવામાં આવી શકે છે, તો કેટલાક નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. આ નવા ચહેરાઓમાં કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ચૂંટણી જીતેલા અર્જુન મોઢવાડિયા અને સી જે ચાવડાનું નામ સામે આવી રહ્યુ છે. અર્જુન મોઢવાડિયા પોરબંદરથી પેટા ચૂંટણી રેકોર્ડ બ્રેક મતોથી જીત્યા છે. જ્યારે સીજે ચાવડા પણ વિજાપુરથી વિધાનસભા જવામાં સફળ થયા છે. બંનેનો મંત્રીમંડળમાં સમાવેશ થાય તેવી સંભાવના છે. અર્જુન મોઢવાડિયા પોતે સિવિલ એન્જિનિયર હોવાથી તેમને માર્ગ, મકાન અને જાહેર બાંધકામ વિભાગ મળે તેવી સંભાવના છે. જ્યારે સીજે ચાવડા બહોળો એડમિનિસ્ટ્રેટિવ અનુભવ ધરાવતા હોવાથી તેમને પશુપાલન અથવા મહેસુલ વિભાગ મળે તેવી શક્યતા છે. પક્ષ પલટો કરતા પહેલા બંનેએ મંત્રી પદનું કમિટમેન્ટ લીધું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. પરંતુ 161 વિધાનસભા સીટની અભૂતપૂર્વ બહુમતી ધરાવતી ભુપેન્દ્ર પટેલ સરકાર સાથે કોઈ ધારાસભ્ય મંત્રી બનવા માટે દબાણ કરે તેવી સ્થિતિ નથી.
હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરની મંત્રી બનવાની ઈચ્છા અધૂરી: ભૂતકાળમાં હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને પણ આ પ્રકારનું કમિટમેન્ટ કરવામાં આવ્યુ હતુ, જો કે હજુ સુધી તેમને મંત્રીમંડળમાં સ્થાન મળ્યુ નથી. 2017 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર રાધનપુરથી ચૂંટાયેલા અલ્પેશ ઠાકોરે મંત્રી પદની લાલચમાં પક્ષ પલટો કર્યો હતો. જીતશે તો લીલી પેનથી સહી કરશે તેવા નિવેદનો પણ આપ્યા હતા. પરંતુ પેટા ચૂંટણીમાં રઘુ દેસાઈ સામે તેની હાર થતાં મંત્રી બનવાના અભરખા અધૂરા રહ્યા હતા. બાદમાં તેઓ 2022 વિધાનસભા ચૂંટણીમાં ગાંધીનગર દક્ષિણથી ચૂંટાઈને ધારાસભ્ય બન્યા છે. અલ્પેશને પણ મંત્રી બનવાના મનમાં અભરખા છે. બંનેના અભરખા પૂરા થાય કે નહીં તે તો આગામી સમય જ બતાવશે.
મંત્રીમંડળ વિસ્તરણની શક્યતા: થોડા સમય પહેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે તેવી ટિપ્પણી કરી હતી. રૂપાણીએ વિવિધ પ્રસાર માધ્યમો સમક્ષ નિવેદન કર્યું હતું કે ''ભૂપેન્દ્ર પટેલ સરકારનું કદ અત્યારે તો 17 મંત્રીઓનું છે એટલે વિસ્તરણની શક્યતા ખરી, એ થશે'' એવા નિવેદનો આપ્યા હતા. અત્યાર સુધી રાજ્યમાં ભાજપની સરકારોમાં મંત્રીમંડળના વિસ્તરણની વાતો ભાજપમાંથી ખાનગીરાહે ઉઠતી રહી છે. જો કે, પહેલીવાર મુખ્યમંત્રી રહેલા કદ્દાવર આગેવાને જાહેરમાં નિવેદનો આપતા લોકસભા ચૂંટણી પરીણામો બાદ ભૂપેન્દ્ર પટેલની સરકારનુ વિસ્તરણ ક્યારે થશે? તેમા કોને સમાવાશે કોનુ મંત્રીપદ જશે ? મુદ્દે ચર્ચા અને અટકળોનું બજાર ગરમ છે. હાલમાં માત્ર 17 મંત્રી, નિયમ અનુસાર 27 મંત્રી રાખી શકાય