બનાસકાંઠા: નવાબકાળના શાસન દરમિયાન નિર્માણ પામેલું નાગણેજી માતાનું મંદિર, જે વર્ષોથી હિન્દૂ મુસ્લિમ એકતાનુ મોટું ઉદાહરણ બની રહ્યું છે. એવી લોકવાયકા છે કે, ઈ.સ 1628માં નવાબના પુત્રનુ મન એક હિન્દુ યુવતી ઉપર મોહી ગયું હતું અને તેની સાથે લગ્ન કરી લીધા હતાં અને ત્યાર બાદ ખુદ નવાબે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. પાલનપુર સ્ટેટના નવાબના આ પુત્રનું નામ મુઝાહિત ખાન હતું,
જેણે પૂંજાજી જાડેજા રાજપૂતની દીકરી માનબાઈ સાથે લગ્ન કર્યા હતા અને તે સમયે દાયજામાં શ્રીફળ, યંત્ર, પાદુકા અને પુસ્તક આમ ચાર વસ્તુઓ મળી હતી. જેને શુભ સંકેત સમજી રાણી માનબાઈ માટે અહીં પાલનપુર સ્ટેટના નવાબ દ્વારા નાગણેજી માતાનું મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.
બનાસકાઠામાં નવાબે બંધાવેલું નાગણેજી માતાનું મંદિરનો અનેરૂ મહાત્મય (Etv Bharat Gujarat) આ મંદિર વર્ષમાં 2 વાર ખૂલે છે:કહેવાય છે કે, નવાબે તે સમયે સિદ્ધપુરના ઔદીચ્ય બ્રાહ્મણોને બોલાવી વિધિવિધાન સાથે પ્રથમવાર મંદિરની પૂજા અર્ચના કરાવી હતી, જેથી આજેય પણ તે બ્રાહ્મણોના વંશજોમાં લગભગ 7મી પેઢીમાં આવતા બ્રાહ્મણ પરિવાર દ્વારા અહીં આવીને વિશેષ પૂજા અર્ચના અને યજ્ઞ કરવામાં આવે છે. મહત્વનું એ છે કે નવાબી સ્ટેટ સમયે આ મંદિર રાજમાતાનું હોવાથી અન્ય કોઈના પ્રવેશ પર પ્રતિબંધ હતો, અહીં માત્ર રાજમાતા એટલે કે રાણી માનબાઈ જ દર્શન કરવા આવતા હતા, ત્યારે આજેય રાજમાતાના મંદિરનો માન મોભો જાળવી રાખવામાં આવ્યો છે અને આ મંદિર વર્ષમાં માત્ર બે વાર જ ખોલવામાં આવે છે એક નાગપાંચમ અને નવરાત્રીના આઠમના દિવસે.
ગુજરાતમાં માત્ર બે નાગણેચી માતાના મંદિર: એવું પણ કહેવામાં આવે છે કે, ગુજરાતમાં માત્ર બે નાગણેચી માતાના મંદિર આવેલા છે, એક સાબરકાંઠાના ઇડર ખાતે ગોખમાં નાગણેચી માતાની પૂજા થાય છે, તો બીજું મંદિર પાલનપુરના રાજગઢી વિસ્તારમાં આવેલું છે. ભારતમાં આ જ એક એવું મંદિર છે કે, જ્યાં સંધ્યા બાદ એટલે કે સાંજે જ આરતી યજ્ઞ અને હવન થાય અને મોડી રાત સુધી આ મંદિર ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવે છે. નાગણેચી માતાના આ પૌરાણિક મંદિરમાં ભક્તો અતુટ શ્રદ્ધા ધરાવે છે અહીં પાલનપુર જ નહીં પરંતુ દૂર દૂરથી લોકો નાગણેચી માતાના મંદિરે આવીને માનતાઓ માને છે અને આ માનતાઓ અહીંયા પૂરી થતી હોવાની પણ ભક્તોમાં અનેરી શ્રદ્ધા છે વર્ષમાં બે વાર ખુલતા આ રાજમાતાના મંદિરે ભક્તો પોતાની અતૂટ આસ્થા સાથે પહોંચીને પોતાની બાધાઓ અને માનતાઓ પણ પૂર્ણ કરે છે.
પાલનપુરમાં નવાબી શાસન: જે તે સમયે પાલનપુરમાં નવાબી શાસન હતું અને નવાબી સ્ટેટ હોવાથી નવાબના શાસનમાં બનેલું આ મંદિરે આજેય પણ મુસ્લિમ વિસ્તારમાં આવેલું છે તેમ છતાં અહીં દર્શન માટે આવતા લોકોને કોઈ જ ડર કે સંકોચ લાગતો નથી અને અહીંના મુસ્લિમ સમાજના લોકો પણ હિન્દુ સમાજની આસ્થાની કદર કરી તેમને સહયોગ કરે છે મંદિરને અડીને આવેલી સ્કૂલ પણ નાગ પાચમ અને આઠમ આમ બે દિવસ બંધ રાખી મંદિરે દર્શને આવતા દર્શનાર્થીઓ માટે તેમજ પૂજા અર્ચના માટે સંપૂર્ણ સહયોગ આપી મદદરૂપ બને છે.
આ પણ વાંચો:
- હેલિકોપ્ટર ક્રેશમાં શહીદ રાકેશ રાણાની અંતિમ વિદાય, ભારતીય નેવીએ આપ્યું ગાર્ડ ઓફ ઓનર
- મહિલા સરપંચના પતિ પર લાગ્યો આવાસના લાભાર્થીઓ પાસે રૂપિયા લીધાનો આરોપ