અમદાવાદ: ગુજરાતના પ્રાંતિજના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહ પરમારની સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાઈ છે. તેમ છતાં તેમને ઇન્કવાયરી કરીને ક્લીનચીટ આપવામાં આવી હતી. તે અંગે ગુજરાત હાઇકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવશે.
ધારાસભ્યને બચાવવાના પ્રયાસો: ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે દુષ્કર્મની ફરિયાદ પ્રકરણમાં પોલીસ દ્વારા તપાસ બાદ ધારાસભ્યને ક્લીનચીટ આપવામાં આવી હતી. ત્યાર પછી આ મામલે પીડિત મહિલા તરફથી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એક રિટ અરજી કરવામાં આવી હતી. તે અંગે ગત સુનાવણી દરમિયાન જસ્ટિસ નીરલ મહેતાએ સરકાર અને પોલીસની ટીકા કરી હતી. અને એમ પણ કહેવામાં આવ્યું હતું કે ધારાસભ્યને બચાવવા માટે પોલીસ અને સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યો છે.
દુષ્કર્મ જેવા કેસમાં પોલીસે કેમ ફરિયાદ નોંધી નથી?: હાઇકોર્ટે કહ્યું હતું કે,'મહિલા બ્લેકમેલ કરી રહી હોવાના આક્ષેપો કરીને તમે ધારાસભ્યનો બચાવ કરો છો? દુષ્કર્મ જેવા આ ગંભીર કેસમાં પોલીસે કેમ ફરિયાદ નોંધી નથી? હાઇકોર્ટે આગળ કહ્યું હતું કે પોલીસને સૌપ્રથમ આવા દુષ્કર્મ જેવા ગંભીર કેસો માટે એફઆઇઆર દાખલ કરવી પડે તેમ કરવાના બદલે પોલીસે આનાથી ઉલટું એફઆઈઆર પહેલા તપાસ કરી ઇન્કવાયરી બાદ ધારાસભ્યને ક્લિનચીટ પણ આપી દીધી. હાઇકોર્ટે પ્રશ્ન કર્યો કે ધારાસભ્યને બચાવવા માટે એફઆઇઆર પહેલા તપાસ કેવી રીતે થઈ શકે? હવે હાઇકોર્ટે આ સમગ્ર મામલે આજે જવાબ રજૂ કરવા માટે સરકારને હુકમ કર્યો હતો.