રાજકોટ: છેલ્લા 15 વર્ષથી જુનાગઢથી સીદસર જતી ઉમા ખોડલ પદયાત્રા સિદસર ઉમિયા માતાજીના મંદિર સુધી યોજાઈ છે. ભાદરવી પૂનમ નિમિત્તે યોજાયેલી આ પદયાત્રા ઉપલેટા ખાતે આવી પહોંચી હતી. ત્યારે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ આ પદયાત્રાનું શહેરના આગેવાનો, અગ્રણીઓ, વિવિધ સમાજના પ્રમુખોએ માં ઉમા ખોડલ રથનું સ્વાગત તેમજ પદયાત્રીઓનું અભિવાદન કરી માતાજીના રથને પ્રણામ કરી માતાજીની મૂર્તિને હારતોરા કરીને માતાજીના આશીર્વાદ લીધા હતા.
પદયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું: આ પદયાત્રા શહેરમાં આવી પહોચતા ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો અને હજારો લોકો આ રથયાત્રાના દર્શન કરવા ઊમટી પડ્યા હતા. આ રથયાત્રા ઉપલેટા ખાતે આવી પહોંચતા રથયાત્રાની સાથે જોડાયેલા પદયાત્રીઓ માટે ઉપલેટા કડવા પટેલ સમાજ ખાતે શ્રદ્ધાળુઓ, ભક્તજનો અને પદયાત્રીઓ માટે રાત્રિ રોકાણની તેમજ ભોજન પ્રસાદ અને સવારના નાસ્તા માટેની વિશેષ રૂપે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે કડવા પટેલ સમાજ ખાતે સર્વે સમાજના આગેવાનો અને અગ્રણીઓ એકત્રિત થઈ માં ઉમિયાજીની આરતી કરી જયઘોષ સાથે માતાજીના આશીર્વાદ લીધા હતા.
ઉત્સાહનો માહોલ જોવા મળ્યો: છેલ્લા 15 વર્ષથી દર વર્ષે ભાદરવી પૂનમ નિમિત્તે જૂનાગઢથી સિદસર સુધીની પદયાત્રા યોજાઈ છે. આ વર્ષે જૂનાગઢથી શરૂ થતી પદયાત્રાની સમિતિ દ્વારા 15મી પદયાત્રાનું આયોજન થયું છે. આ પદયાત્રાને ધારાસભ્ય સંજય કોરડીયાએ માતાજીનો રથ હંકારીને પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું ત્યારે સમસ્ત કડવા પાટીદાર સમાજના કુળદેવી માં ઉમિયાજીનાં ધામ સિદસર સુધીની પદયાત્રા આયોજન કરવામાં આવ્યું છે. કડવા પાટીદાર સમાજમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. પદયાત્રીઓની સુવિધા અને સેવા હેતુ અનેક સેવાભાવી યુવાનો પણ પદયાત્રામાં જોડાયા હતા.
71 કિમીની પદયાત્રાનું આયોજન: સિદસર મુકામે કડવા પાટીદાર સમાજના કુળદેવી શ્રી ઉમિયા માતાજીના મંદિરે ભાદરવી પૂનમના દિવસે પ્રાગ્ટ્યોત્સવની ભક્તિભાવપૂર્વક ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. સિદસર મુકામે ઉમિયા માતાજીના પ્રાગટ્ય દિન નિમિત્તે ભાદરવી પૂનમના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તેમજ ધાર્મિક કાર્યક્રમમાં સહભાગી થવા જૂનાગઢથી સિદસર સુધીની 71 કિમીની પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે.