ભાવનગર :સમગ્ર ગુજરાતમાં શિક્ષક મહાસંઘના રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા ફરતી મતપેટીઓ ફેરવવામાં આવી હતી. આ મતપેટીમાં શિક્ષકોએ પોતાના મત નાખ્યા હતા. ભાવનગર જિલ્લામાં શિક્ષકોએ અલગ અલગ ટુકડી બનાવી શાળાએ શાળાએ ફરતી મતપેટી દ્વારા મત એકઠા કર્યા હતા. સાંજે તમામ મતપેટીઓ એકઠી કરીને તમામ મત રાજ્યના સંયુક્ત મોરચાને મોકલી આપવામાં આવ્યા હતા. શા માટે આખરે પ્રયોગ કરવામાં આવ્યો જાણો
અનોખું વિરોધ પ્રદર્શન : ચૂંટણીના મતદાન કરવા માટે અગાઉ મત પેટી અને ત્યારબાદ મશીનનો ઉપયોગ થાય છે. પરંતુ ભાવનગરમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત પણ થઈ નથી ત્યારે શાળાએ શાળાએ "ફરતી મતપેટી" જોવા મળી હતી. જો કે આ મતપેટી સમગ્ર ગુજરાતની શાળાઓમાં સંયુક્ત મોરચા દ્વારા ફેરવવામાં આવી હતી. જેમાં શિક્ષકોએ પોતાના પડતર પ્રશ્નોને લઈને મતદાન કર્યું હતું. ભાવનગરના શિક્ષકોએ અનોખો વિરોધ કર્યો હતો.
રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા ફરતી મતપેટી :ગુજરાતમાં રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા શાળાઓના કર્મચારીઓના પડતર પ્રશ્નોને લઈને અનોખા આંદોલનનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવનગર શહેર અને જિલ્લા કક્ષાની શાળામાં ફરતી મતપેટીઓ જોવા મળી હતી. શિક્ષકો અને શાળાના અન્ય કર્મચારીઓએ પડતર પ્રશ્નોને લઈને મતદાન કર્યું હતું. સંયુક્ત મોરચાના પ્રમુખ મહેશભાઈ મોરીએ જણાવ્યું હતું કે, આજરોજ સમગ્ર ગુજરાતમાં રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા દરેક શાળામાં આંદોલન કાર્યક્રમ કરવામાં આવ્યો છે. પેન્શન યોજના સહિતના પ્રશ્નોને લઈને મતદાન યોજવામાં આવ્યું છે. મતદાન કરીને અમે પોતાનું આંદોલન ચલાવી રહ્યા છીએ.