તાપી :બાંગ્લાદેશમાં થઈ રહેલી હિંસામાં હિન્દુ ધાર્મિક સ્થળ સહિત હિન્દુઓને ટાર્ગેટ કરી તેમની સાથે અત્યાચાર થઇ રહ્યો હોવાના આક્ષેપ સાથે સમગ્ર દેશમાં હિન્દુ સંગઠનો વિરોધ નોંધાવી રહ્યા છે. તાપી જિલ્લામાં હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા વ્યારા ખાતે રેલી યોજી રાષ્ટ્રપતિને સંબોધી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સાથે જ ભારત સરકાર સમક્ષ માંગ કરાઈ કે હિન્દુઓને સુરક્ષા પૂરી પાડવામાં આવે.
રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર આપ્યું :તાપી જિલ્લામાં હિન્દુ હિત રક્ષક સમિતિએ વ્યારા ખાતે રેલી યોજી રાષ્ટ્રપતિને સંબોધીને તાપી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું છે. જેમાં માંગ કરાઈ કે બાંગ્લાદેશના હિન્દુઓ સહિત ત્યાંના ધાર્મિક સ્થળોની સુરક્ષા પૂરી પાડવામાં આવે અને ઇસ્કોનના સંત ચિન્મય દાસજીને જેલમાંથી મુક્ત કરવામાં આવે તે માટે ભારત સરકાર બાંગ્લાદેશ સરકાર પર દબાણ લાવે.
તાપીમાં પડ્યા બાંગ્લાદેશમાં હિંસાના પડઘા (ETV Bharat Gujarat) બાંગ્લાદેશમાં ચાલુ હિંસાનો વિરોધ :તાપી જિલ્લા હિન્દુ હિત રક્ષા સમિતિના સંયોજક રાહુલ શિમ્પીએ જણાવ્યું કે, બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને અલોકતાંત્રિક રીતે હટાવીને ધર્માંધ સરકાર ત્યાં આવી ગઈ છે. હવે ત્યાં જે હિન્દુ સમાજ છે અને બીજા અલ્પસંખ્યક સમાજ પણ છે, જેમાં સિખ, યહૂદી, પારસી, ઈસાઈ બધા પર અમાનુષી અત્યાચાર અને હુમલાઓ થાય છે.
હિન્દુ હિત રક્ષા સમિતિની માંગ :આ હુમલાઓને અમે વખોડી નાખીએ છીએ અને બાંગ્લાદેશ સરકાર પર દબાણ લાવવા માટે ભારત સરકારને આ આવેદન આપીએ છીએ કે, બાંગ્લાદેશમાં થતાં હિન્દુઓ પરના અત્યાચારો અટકે, મંદિરોને સુરક્ષા પૂરી પાડવામાં આવે, ત્યાં જે ધર્માંતરના ખેલ કરે છે કે જબરજસ્તી ધર્માંતરણ થાવ અથવા તો મૃત્યુ ન જાવ તેવા ખેલ પણ બંધ થાય તેવી માંગણી સાથે કલેક્ટરને અમે અહીં આવેદન આપ્યું છે.
વ્યારા ખાતે રેલી યોજાઈ :હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે રેલી યોજાઈ હતી. જેમાં વ્યારાના સયાજી ગ્રાઉન્ડથી વ્યારા શહેરમાં ફરી હતી. વ્યારાના રાજકારણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો પ્લે કાર્ડ અને ઝંડા લઈને રેલીમાં જોડાયા હતા.
- ભારતીય ટીવી ચેનલો પર પ્રતિબંધ મૂકવા માંગ, બાંગ્લાદેશ હાઈકોર્ટમાં અરજી
- બાંગ્લાદેશમાં ચાલુ હિંસાના વિરોધમાં પોરબંદરમાં વિશાળ મૌન રેલી યોજાઇ