તંત્રની કામગીરીની પોલ ખૂલી, ઘાણી ગામનો કોઝવે ધોવાયો (ETV Bharat Reporter) તાપી :તંત્રની લોલમલોલ કામગીરીની પોલ તાપી જિલ્લામાં પહેલા વરસાદે જ ઉઘાડી પાડી દીધી છે. થોડા દિવસોથી ડોલવણ પંથકમાં વરસેલા વરસાદના પગલે ઘાણી ગામના લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યા હતા. પાણીના સ્તર નીચે ઉતરતા જ તંત્રની પોલ ઉઘાડી પડી ગઈ છે. લો લેવલ બ્રિજના બંને છેડે ધોવાણ થયું છે.
ગ્રામજનોની મુશ્કેલી વધી :લો લેવલ કોઝવેનું ધોવાણ થતા ઘાણી ગામ સહિત મહુવરીયા, બામણામાણ દુર, ગાંગપુર જેવા પાંચ કરતા વધારે ગામના લોકોને હાલાકી પડી રહી છે. આ ગામોના લોકો બુહારી, વાલોડ, ડોલવણ જેવા મુખ્ય મથકોએ જવા આશરે દશ કિલોમીટરનો ચકરાવો ફરવા મજબૂર બન્યા છે. જે અંગે મીડિયા દ્વારા જિલ્લા પંચાયત પેટા સિંચાઈ વિભાગના અધિકારીને મળી જાણ કરી હતી.
વરસાદમાં કોઝવે ધોવાયો :આ મામલે જવાબદાર અધિકારીએ જણાવ્યું કે, બ્રિજ જૂનો હોવાથી બંને છેડેથી ધોવાય ગયો છે, જે જલ્દીથી જલ્દી રીપેર કરવાની ખાતરી આપી હતી. તાપી જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં રોડ-રસ્તા પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયા છે. ત્યારે વાહન વ્યવહારમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્રના ભ્રષ્ટાચારની પોલ પણ પહેલા વરસાદમાં ખુલી ગઈ છે. હવે જોવું રહ્યું કે, તંત્ર રોડ રસ્તા પર ક્યારે સચોટ અને સાચી નીતિથી કામ કરશે.
તંત્રનો આશાવાદી ખુલાસો :નાયબ કાર્યપાલક ઈજનેર સંદીપ ગાવીતે જણાવ્યું કે, ધાણી અને બામણામાણને જોડતો કોઝવે વર્ષ 2004 ની આસપાસ બનાવવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કોઈ રીપેરીંગ કે એવા કોઈ ખર્ચની જરૂર નથી પડી. નદીમાં પાણી વધારે હોવાને કારણે આ કોઝવે ડૂબી ગયો હતો. જેના લીધે સાઈડના એપ્રોચનું ધોવાણ થઈ ગયું છે. ગઈકાલ સુધી પાણી હતું અને આજે પાણી ઓછું થયું છે, તેથી ટીમ મોકલીને ચેક કરવા કહ્યું છે. જે ખાડા પડ્યા છે, તેનું સત્વરે કામ કરવામાં આવશે.
- તાપી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, 8 જેટલા લો લેવલ પુલ પાણીમાં ગરક થયા
- સુરતમાં તાપી નદીના જળ સ્તરમાં વધારો, સાવચેતીના ભાગરૂપે કોઝ વે બંધ કરાયો...