સુરત : લાજપોર જેલમાં ચોરીના ગુનામાં બંધ એક યુવાનને ઊલટીઓ થવા લાગી હતી. 7 ઓગસ્ટના રોજ તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો અને એ દરમિયાન તેનું મોત થયું હતું. યુવાનના પરિવારજનોએ પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવ્યા અને ફોરેન્સિક પીએમની માંગ કરી હતી. યુવકના મોતને ત્રણ દિવસ કરતાં વધુ સમય વીતી ગયો છે, પણ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો નથી.
લાજપોર જેલના કેદીનું મોત:સુરત પોલીસ DCP રાજેશ પરમારે જણાવ્યું હતું કે, સચિન પોલીસ સ્ટેશનમાં આ મામલે કસ્ટોડિયલ ડેથ દાખલ કરવામાં આવ્યું છે. આ બાબતે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પણ તપાસ કરી રહ્યા છે. આ મૃતકનું ઇન્કવેસ્ટ પંચનામું ડેપ્યુટી કલેક્ટર દ્વારા ભરવામાં આવ્યું છે. આ બાબતે સીટની રચના કરી ACP સહિતના તપાસ કરી રહ્યા છે. સંપૂર્ણ નિષ્પક્ષ અને જે સત્ય હશે એ પ્રમાણે જ કાર્યવાહી કરીશું.
જેલના કેદીનું શંકાસ્પદ મોત, પરિવારે મૃતદેહ ન સ્વીકાર્યો (ETV Bharat Reporter) CCTV કેમેરામાં શું દેખાયું :આ મામલે મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે, આ ઘટના મામલે અમે લાજપોર જેલ ગયા અને CCTV કેમેરા ચેક કર્યા હતા. ત્યારે મૃતક મહેશ સ્વસ્થ દેખાય છે. બાદમાં જેલની ઝડતી રૂમમાં લઇ જવાય છે, ત્યાં પોલીસે જણાવ્યું હતું કે, તેની પાસે એક સિમકાર્ડ મળ્યું છે. જોકે સીસીટીવીમાં દેખાય છે કે, આજુબાજુના કેદીઓ ઝડતી રૂમ પાસે છે, એટલે મૃતકને માર માર્યો હોવાની આશંકા છે. જ્યારે મહેશે ઝડતી રૂમમાંથી બહાર આવે છે ત્યારે તે અસ્વસ્થ દેખાતો હતો અને પેટ પકડીને બહાર આવ્યો, બાદમાં ઊલટીઓ કરવા લાગ્યો હતો.
તબિયત બગડી પછી મોત...પરિવારજનોએ વધુમાં જણાવ્યું કે, આટલું બધું તેની સાથે થઈ ગયા બાદ પણ જેલ પ્રશાસનના પોલીસકર્મીઓ તેને પૂછતા નથી અને આમ જ મૂકી દીધો હતો. તબિયત ખરાબ થતાં તે ઢળી પડ્યો, બીજા દિવસે પણ આ જ પરિસ્થિતિ દેખાઈ હતી. સવારે તેની તબિયત વધારે ખરાબ થતાં ઢળી પડ્યો હતો. જ્યાં એક કેદીને જાણ થતાં તે પોલીસકર્મીઓને જાણ કરતો દેખાય છે. જોકે તેને સારવાર માટે લઈ ગયા બાદ તેનું મોત થઇ ગયું હોવાનું લાગી રહ્યું છે.
પરિજનોનો આક્ષેપ અને માંગ :પરિવારજનોએ જણાવ્યું કે, અમે હાલમાં પણ મૃતદેહ સ્વીકાર્યો નથી અને સ્વીકારીશું નહીં, કારણ કે જે પણ અધિકારીઓ જવાબદાર છે તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ થવી જોઈએ. કડક કાર્યવાહી કરી તેમને સસ્પેન્ડ કરવામાં આવે એવી જ અમારી માંગ છે. આ સાથે જ એમાં જે પોલીસકર્મીઓ છે તેમની ધરપકડ થવી જોઈએ. માંગ સ્વીકાર્યા બાદ જ મૃતદેહ સ્વીકારીશું.
આખી ઘટના શું છે ?સુરતની લાજપોર જેલમાં એક કાચા કામના કેદીનું 7 ઓગસ્ટના રોજ સવારે 11.25 કલાકે શંકાસ્પદ મોત નીપજ્યું હતું. લાજપોર જેલમાં ચોરીના ગુનાના આરોપી તરીકે એક દિવસ પહેલાં એન્ટ્રી થયા બાદ તેને ઊલટી થઈ અને તબિયત લથડતાં સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. હાલ સચિન પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે પોલીસે મૃતકને માર મારવામાં આવ્યો હોવાનો મૃતકના પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
ડોક્ટરે શું કારણ આપ્યું ?મૃતકના પરિવારજનોએ ફોરેન્સિક પીએમની માંગ કરી હતી. આજે પોલીસે જણાવ્યું કે, પેનલ પીએમ કરતા ડોક્ટરોએ મૌખિક જણાવ્યું હતું કે, કમળાની અસર થઇ હોવાથી મોત થયાનું અનુમાન છે. જેથી પોલીસ પરિવારજનોને સમજાવવા મથામણ કરી રહી છે. કસ્ટોડિયલ ડેથ નોંધીને તપાસ ACP ને આપવામાં આવી છે.
- લાજપોર જેલના કેદીનું શંકાસ્પદ મોત, પરિવારે પોલીસ પર ગંભીરકર્યા આક્ષેપો - prisoner dies in jail
- પાટણની મહિલાના શંકાસ્પદ મોતના બનાસકાંઠામાં પડઘા પડ્યા, રાવળ સમાજે કરી નિષ્પક્ષ તપાસની માંગ