વઢવાણ:હાલ અત્યંત ડિજિટલ યુગ અને મશીનરીનો યુગ ચાલી રહ્યો છે. ત્યારે મોચી કામ તેમજ હાથ બનાવટી વસ્તુઓ લુપ્ત થતી જઈ રહી છે. ત્યારે લુપ્ત થતી જતી કળા ટકાવી રાખવાના સતત કારીગરો દ્વારા પ્રયત્ન કરવામાં આવતા હોય છે. આ વચ્ચે વઢવાણમાં હાથ બનાવટી ચપ્પલ અને બુટનો એક સમયે ક્રેઝ હતો. સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાભરમાંથી બુટ-ચપ્પલ ખરીદી કરવા લોકો વઢવાણ આવતા અને ચામડામાંથી બુટ ચપ્પલ બનાવામાં આવતા હતા. હાલ આ કલા પણ લુપ્ત થવાના આરે છે. કારણ કે રેડીમેઈટ બુટ ચપ્પલનો ક્રેઝ જામ્યો છે. ત્યારે વઢવાણના મોચી કામ કરતા યુવકે સમગ્ર ભારતમાં સૌથી નાના બુટ ચંપલ તૈયાર કર્યા છે અને તેને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. અજય ચાવડા નામના યુવકે ભારતમાં સૌથી નાના બુટ ચમ્પલ બનાવ્યા છે.
4 MMનું ચપ્પલ અને 12 MMનું બુટ
ભારતમાં સૌથી નાના બુટ ચપ્પલ બનાવનાર અજય ચાવડા પોતે ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કરેલો છે. પરંતુ મોચી કામની કલા ટકી રહે તે માટે હર હંમેશ નવા પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવતા હોય છે. આ અંગે તેમણે કહ્યું કે, નાનપણથી જ કંઈક અલગ કરવાની વૃત્તિ છે. આ ડિજિટલ યુગમાં મેં નાનામાં નાનું ચપ્પલ સર્ચ કર્યું અને તેનાથી પણ નાનું 4 એમ.એમનું ચપ્પલ અને 10-12 એમ.એમના શૂઝ બનાવ્યા છે. તેમાં મને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. મેં ગીનિશ બુકમાં પણ સ્થાન મળે તે માટે અરજી કરી છે.