સુરેન્દ્રનગર: ગુજરાત રાજ્યને 'ડ્રાઈ સ્ટેટ' તરીકે ઓળખવામાં આવે છે કારણ કે અહીં દારૂબંધી છે, પરંતુ દારૂના વેપાર અને બુટલેગરોના કારણે રાજ્યમાં એક મોટી ઘટના સર્જાઇ છે. જેમાં સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) ટીમના PSI જે.એમ. પઠાણનું મોડી રાત્રે મોત નીપજ્યું હતું. મળતી માહિતી પ્રમાણે જાણવા મળે છે કે, તેમની સાથે બે કોન્સ્ટેબલ પણ હતા જેમણે પણ ઇજા થઈ છે.
ઘટના એવી બની હતી કે, PSI જે.એમ. પઠાણને ક્યાંકથી દારૂનો સ્લોટ ગુજરાતમાં આવી રહ્યો છે તેવી બાતમી મળી હતી. જે બાદ તેઓ 5 નવેમ્બરના રોજ 2.30 વાગે દસાડાથી પાટડી રોડ ઉપર કઠાડા ગામથી આગળ વળાંક પાસે ટીમ સાથે વૉચમાં ઊભા હતા. આ દરમિયાન ત્યાંથી એક દારૂ ભરેલી ક્રેટા પસાર થઈ જોકે તે રોકાઈ નહીં અને અંતે તેમને પકડવા માટે PSI જે.એમ. પઠાણએ ક્રેટાનો પીછો કરવા જતાં ફોર્ચુનરના લાઈટના અજવાળામાં SMC ટીમની ફોર્ચ્યુનર ગાડી ટ્રેલરના પાછળના ભાગે અથડાઈ હતી. આમ, ક્રેટા અને SMCની કાર વચ્ચે એકાએક ટ્રેલર આવી જતાં અકસ્માત સર્જાયો હતો.
PSI જે.એમ. પઠાણની ફોર્ચ્યુનર કાર ટેલરની પાછળના ભાગે અથડાઈ જવાથી તેમને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. જે બાદ તેમને દસાડા પીએસસી સેન્ટર પર અને ત્યારબાદ વધુ સારવાર માટે વિરમગામ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના અંગે દસાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગિરીશ કુમાર પંડ્યાની સૂચનાથી DySP જે.ડી. પુરોહિતના માર્ગદર્શન હેઠળ ચાર ટેકનિકલ ટીમો બનાવી સીસીટીવી કેમેરા સહિતની તપાસ હાથ ધરવામાં આવી છે. ઉપરાંત જિલ્લાની LCB, SOG સહિતની સ્થાનિક પોલીસ ટીમ તપાસ અર્થે કામે લાગી છે.